૨૯
જેટલી ગતિ મહારાજની છે તેટલી તેમના મુક્તની છે. જેટલું મહારાજ જાણે તેટલું મુક્ત જાણે; અને જેમ મહારાજ જાણતા થકા અજાણતા છે તેમ જ મુક્ત પણ જાણતા થકા અજાણતા છે. એવા જે નિર્ગુણ મુક્ત છે તેમના ગુણને તો મહારાજ પોતે ગાય છે. તે મહારાજે પ્રથમ પ્રકરણના 37મા વચનામૃતમાં કહ્યું છે જે એના દર્શનને તો અમે પણ ઇચ્છીએ છીએ. માટે મોટા સંગાથે મન બાંધીને આત્મબુદ્ધિ કરીને વળગ્યા તો જેમ ગરૂડની પાંખમાં મચ્છરીયું પેઠું તે ઠેઠ પૂગે; તેમ તે પણ ઠેઠ શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચે. મહારાજની મૂર્તિમાં મુક્ત સળંગ રસબસ રહ્યા છે તેમાંથી જેટલો લાભ લેવો હોય તેટલો મળે. જેમ પારસમણિ, ચિંતામણિ, કલ્પતરુ, તે પાસેથી જેટલું ચિંતવીએ તેટલું માયિક સુખ મળે; તેમ શ્રીજીમહારાજ પાસેથી તથા તેમના મુક્ત પાસેથી જેટલું ચિંતવીએ તેટલું દિવ્ય સુખ મળે. જેમ મહારાજ દિવ્ય છે તેમ મુક્ત દિવ્ય છે, પણ જોનારાની દૃષ્ટિમાં મનુષ્યભાવ જણાય છે. જ્યાં સુધી મહારાજના સુખનો અનુભવ થયો નથી ત્યાં સુધી તે સુખિયો થતો નથી. આ ટાણે તો ખરેખરો લાભ છે. તેમાં જે બનાવો તે બને તેમ છે, એ બહુ ભારે લાભ છે.