૧૪૧
મહારાજ તથા તેમના અનાદિમુક્તને વિષે દિવ્યપણું સમજવું અને દિવ્યપણામાં મનુષ્યપણું જાણવું. તે શું? તો તેમના દુઃખે દુઃખી અને તેમના સુખે સુખી થાવું, પણ મોટાને દુઃખ થતું હોય તો જાણે એમને શું ફીકર છે! એવું નિર્દયપણું ન રાખવું. એમ મોટા મુક્તના દુ:ખમાં ભાગ રાખવો. પછી એમ કહ્યું જે મોટા અનાદિના જે શબ્દ છે તે ઇંદ્રિયો, અંત:કરણ ઝીલી શકતાં નથી. એ શબ્દને તો જીવ ઝીલવા સમર્થ છે. માટે જે જે શબ્દ મોટા અનાદિ થકી નીકળે તેને શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી જીવમાં ઉતારી દેવા. તો જેમ કીટ મટીને ભમરી થઈ જાય છે તેમ તત્કાળ મોટાના જેવું થઈ જવાય છે.
મહારાજ તથા મોટા અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો. જો રાત હોય ત્યારે એ દિવસ કહે તો દિવસ જ છે અને દિવસ હોય ત્યારે કહે કે અડધી રાત છે તો રાત જ છે. એમ બરાબર નિઃસંશયપણે માને, કેમ કે એમને દિવસ કે રાત્રિ એવું આવરણ નથી; એમ સમજે તો તે ખરેખરો વિશ્વાસી કહેવાય. પછી તેને મહારાજનું અને મોટાનું સુખ જેમ છે તેમ સમજાય.