૧૪૩

સર્વથી પર અક્ષરધામ તેમાં તો અતિ અપાર સુખ શ્રીજીમહારાજની મૂર્તિનું છે. મુક્ત તેજોમય, ધામ તેજનો જ અંબાર, સર્વ દિવ્ય સમાજ, દિવ્ય સુખ, દિવ્ય વર્ણન, "અતિ તેજોમય રે, રવિ શશિ કોટિક વારણે જાય." એવા દિવ્ય ધામમાં મહાપ્રભુ બિરાજે છે. તે મૂર્તિમાં મુક્ત રસબસ રહ્યા છે. એ મહારાજ ને મુક્ત વિના આપણો ક્યાંય ભાગ નથી અને એ બે વિના બીજું ઠરવાનું ઠામ ક્યાંય નથી, માટે જે જે વચન આવે તે ઠેઠ મૂર્તિમાં લગાડવાં. એ મૂર્તિ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે. જેને દિવ્ય ભાવ થાય તે દેખે. શ્રીજીમહારાજ આ સભામાં અખંડ બિરાજે છે, પૂજા સ્વીકારે છે, મંદમંદ હસે છે, મંદ સુગંધ વાયુ વાય છે; આ સર્વે અહીં જ છે. સ્થાવર, જંગમ સર્વે ઠેકાણે મહારાજ દેખાય એ સ્થિતિ, અને એ વિના કાંઈ ન દેખાય તે પ્રાપ્તિ. ક્યાં મહારાજ ને ક્યાં આવા મુક્ત! આ તો કેવળ શ્રીજીમહારાજની દયા છે.