૫૬

મહારાજે આ સભા અક્ષરધામની કહી છે, માટે આ સભાને દિવ્ય જાણવી અને મૂર્તિઓને વિષે ધાતુ પાષાણ ભાવ ન રાખવો. અમારો સિદ્ધાંત એવો છે.

આ સભા તો અક્ષરધામનો દરવાજો છે અને પૂરું તો સાક્ષાત્કાર અનુભવજ્ઞાન થાય ત્યારે થાય. જે મૂર્તિ સાથે રસબસ કરે તે અનુભવજ્ઞાન કહેવાય. તે મહારાજની મૂર્તિમાં જોડાય તો એવું જ્ઞાન થાય.

જેમ જળ પોતે ઊંડુ લઈ જાય છે તેમ પુરુષોત્તમ નારાયણની ખુશબો છે તે જીવને ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે. એ ખુશબો તે અનુભવજ્ઞાન જાણવું. તે સર્વેથી પર શ્રીજીમહારાજ અને અનાદિમુક્તને સમજે ત્યારે અનુભવજ્ઞાન થયું કહેવાય, પણ ખોટાને ખોટું કરે તે સાચું જ્ઞાન ન કહેવાય. મહારાજની મૂર્તિથી ઓરું અક્ષર પર્યંત સર્વે ખોટું થઈ જાય અને મહાપ્રભુજીની મૂર્તિમાં જોડાઈ જવાય એ અનુભવજ્ઞાન કહેવાય, માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જવું. અનાદિ વસ્તુ જે મહારાજ ને મુક્ત તેમને ઓળખવા.