૮૫

શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રહીને ક્ષણ ક્ષણ પ્રત્યે કોટાનકોટિ નવીન નવીન ઉત્પન્ન થતાં જે સુખ તેને ઉત્પન્ન થવાનાં સ્થાનક તેણે સહિત એકકાળાવછિન્ન એ સર્વે સુખને જાણતા થકા ભોગવે છે. તે મૂર્તિનો અને સુખનો પાર કોઈ પામી શકતા નથી, એવું એ મૂર્તિનું અકળપણું છે. એમ પોતે ભોક્તાપણે સર્વેને જાણતા થકા એક સાથે જ સર્વ સુખને ભોગવે છે. એ મૂર્તિને વિષે અસાધારણ સ્નેહ હોય તે ખરું સુખ કહેવાય ને આનંદ પણ તે જ કહેવાય. મહારાજ અને અનાદિમુક્તનું સ્વરૂપ તો સદા ભેગું જ છે. જુદાપણું છે ખરું. કેવી રીતે તો મુક્ત ભોક્તા છે અને પુરુષોત્તમ દાતા છે. મુક્ત દાસ છે અને પુરુષોત્તમ સ્વામી છે; તેમ પુરુષોત્તમના અને અનાદિ મુક્તના સાર્મથ્યમાં ને સુખમાં ફેર છે. પુરુષોત્તમના સાર્ધમ્યપણાને તો એવા અનંત મુક્ત પુરુષોત્તમની કૃપાએ કરીને પામ્યા છે, તો પણ પુરુષોત્તમના સુખનો કોઈ પાર પામી શકતા નથી. અપાર ને અપાર સદા રહ્યા કરે છે અને નિત્ય ક્ષણ ક્ષણ પ્રત્યે અધિક અધિક અપાર અપાર સુખ વધતું જ જાય છે, તેનો અંત જ આવતો નથી; એવા પુરુષોત્તમ ભગવાન છે.