૧૨૯

મોટા અનાદિને વિષે વિશ્વાસ હોય તો કૃપા કરી પૂરું કરી આપે, તો પણ આજ્ઞા, નિયમ, ધર્મ પાળવા અને સર્વેને દિવ્ય જાણવા. દિવ્ય સિંહાસનમાં તેજોમય મૂર્તિ છે, એ મૂર્તિના સુખમાં રસબસ રહેવું. મૂર્તિમાંથી તેજ ફરર ફરર નીકળ્યે જાય છે. મૂર્તિનું તેજ એ સિંહાસન છે, તેમાં શ્રીજીમહારાજ બિરાજે છે. તે મૂર્તિમાં મહા અનાદિમુક્તરાજ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિ સર્વે છે, મંદમંદ હસે છે ને સુખ લીધા જ કરે છે.

મહારાજના મોટા મુક્ત ઉપરથી સુતા જણાય, જાગતા જણાય, જમતાં, નહાતાં, ઊઠતાં, બેસતાં, વાતો કરતા એમ સર્વે ક્રિયા કરતા જણાય, પણ તે તો મૂર્તિનું સુખ રસબસ- ભાવે લીધા જ કરે છે. તેને મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. જેમ આકાશને પૃથ્વીનો કોઈ ઠેકાણે સંબંધ નથી તેમ એ તો મહારાજની મૂર્તિમાં નિરંતર રહ્યા છે તેને કયારેય પણ માયાનો સંબંધ નથી. જેમ વાયુ ઝાડને ભટકાય છે તે દેખાતો નથી તેમ મોટા મુક્તને વિષે જોવાનો, ખાવાનો, સાંભળવાનો ભાવ દેખાય, પણ એ તો સુખના સમુદ્રમાં ઝીલતા, ઝીલતા ને ઝીલતા જ રહે છે.