૨૬

આ સમયે તો મૂળસ્વરૂપ જે શ્રીજીમહારાજ તે પ્રાપ્ત થયા, અનાદિમુક્ત પ્રાપ્ત થયા અને નિર્ગુણ એવું જે તેજરૂપ ધામ તે પ્રાપ્ત થયું. આ વખતમાં તો એવા મોટા પધાર્યા છે. તે જો એમને મન સોંપી દે ને મન, કર્મ, વચને અનુવૃત્તિમાં રહે તો તેનાં સર્વ કામ સંપૂર્ણ થઈ રહ્યાં છે અને સર્વે સુખ પ્રાપ્ત થઈ રહ્યાં છે. અવતારાદિક તથા તેમના પાર્ષદ પોતાના મોક્ષને અર્થે સત્સંગમાં આવ્યા હોય તે આવા અનાદિમુક્તનો વિશ્વાસ લાવીને જોગ કરે ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મોક્ષને પામે. જો વિશ્વાસ ન લાવે ને પ્રથમનું પરિપક્વ થએલું હોય તે તેમને તેમ જ રહે તો ફેર સત્સંગમાં આવે ને જ્યારે આવું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષને પામે. માટે મોટાનો વિશ્વાસ લાવીને જો તેમની સાથે પોતાના જીવને જડી દે તો મોટા તેને મૂર્તિના સુખે સુખિયો કરે. જેમ કમળનો કંદ કાદવમાં ચોંટ્યો હોય ત્યારે તેને જળ પોષણ કરે છે ને સૂર્ય ખીલાવે છે, પણ જ્યારે કાદવમાંથી કમળનો કંદ જુદો પડી જાય છે ત્યારે તેનું તે જળ કમળને સડવી નાખે છે અને તેના તે સૂર્ય તે કમળને સૂકવી નાખે છે. તેવી રીતે મોટા મુક્તને વિષે જે જીવ મન, કર્મ, વચને જોડાય તેનું મોટા પોષણ કરે છે અને મોટાને વિષે ન જોડાય તેનું મોટા પોષણ કરતા નથી; માટે કમળની પેઠે મોટાને વિષે ચોંટી જવું.