૨૦
પંચવર્તમાને યુક્ત એવા ને શ્રીજીમહારાજના યથાર્થ નિશ્ચયવાળા સંત હરિજનનો મહિમા સમજવો. આજ અમે જીવોના ઉપર દયા કરીને શ્રીજીમહારાજના સંકલ્પથી દર્શન આપીએ છીએ તે મહિમા ન કહીએ તો જીવના જાણ્યામાં શું આવે? અને શી રીતે જીવ ભગવાનને અને મુક્તને વળગે? માટે જીવના ઉપર દયા કરીને મહિમાની વાતો કરીએ છીએ, પણ અમારી સારપ વધારવા સારુ અમારો મહિમા નથી કહેતા. અમે તો સદા મૂર્તિમાં સુખ ભોગવીએ છીએ ને મૂર્તિના સુખમાં જ કલ્પે કલ્પ વીતી જાય છે, માટે અમારે આ લોકની મોટપ કે પ્રસિદ્ધિ સારુ વાત નથી કરવી. અમારે તો સદા મૂર્તિનું સુખ છે પણ દેહ નથી, આ તો શ્રીજીમહારાજની ઇચ્છાથી દેહ દેખાય છે ને શ્રીજીનો સંકલ્પ છે તેથી વાતો કરીએ છીએ; કેમ જે તમને સર્વેને અમારા જેવા કરવા છે. તે જ્યારે માયાનો પડદો તાણી લઈશું ત્યારે માયા ગોતી પણ જડશે નહિ, ને બ્રહ્મકોટી ને અક્ષરકોટી એ પણ ક્યાંય મહાપ્રભુજીના તેજની કિરણોમાં લીન થઈ જાશે. એક મહારાજની મૂર્તિ ને મુક્ત એ બે જ રહેશે; માટે કેડ બાંધીને ધ્યાન કરવા મંડી જવું.