૧૮

મોટા વાતો કરે તે નિત્ય નવી નવી આવે, કેમ જે અપાર છે. તેમ જ શ્રીજીની મૂર્તિનું સુખ મુક્તને નવું નવું આવે છે. જેમ બ્રહ્માંડમાં અનંત વસ્તુઓ છે તેમ મૂર્તિમાં અનંત સુખ છે. જેને સાક્ષાત્કાર થાય તેને તે જણાય છે. ખૂબ મંડીએ ને પુરુષોત્તમરૂપ થઈએ તો એ સુખ મળે. જે પુરુષોત્તમના સાર્ધમ્યપણાને ન પામ્યા હોય તેનાથી એ સુખમાં પહોંચાય નહિ ને રહેવાય નહિ. જ્યારે પોતાપણું કાંઈ ન રહે ત્યારે તે પતિવ્રતાનું અંગ જાણવું. આવું અંગ થાય તે જ સુખિયા થાય છે અને જે પોતાપણું રાખે તે દુખિયા રહે છે. જેને મહાપ્રભુજીની મૂર્તિમાં તાન હોય તેનો પાકો પાયો કહેવાય અને જેને રાગ, રંગ, વિલાસમાં તાન હોય તેનો પાકો પાયો ન કહેવાય. પ્રસાદીની મૂર્તિ ને આજની છાપેલી મૂર્તિ સરખી સમજે તેનો પાકો પાયો છે અને જે સરખી ન સમજે તેનો પાકો પાયો નથી.