૧૫૦

મોટા તો સદાય મૂર્તિમાં જ છે અને અનેક ને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે છે, ને મનુષ્ય જેવા થઈને અનેકની સેવા અંગીકાર કરે છે તે સેવા સર્વે મૂર્તિના સંબંધે દિવ્ય થઈ જાય છે. તેને એ ભક્ત પામે છે. માટે મોટા મુક્તને વિષે કયારેય મનુષ્યભાવ પરઠવો નહિ. મોટા તો મહારાજની પેઠે સદા દિવ્ય જ છે. એટલા માટે આવા મુક્તનો જોગ મૂકવો નહિ. આવા મોટા મુક્ત ભેળું બેસવા ક્યાંથી મળે? બીજા કોણ બેસવા દે? આવા અનાદિમુક્ત મૂર્તિમાં કિલ્લોલ કરનારા તેમના પગરખામાં પણ આ જીવને બેસવા ન મળે. તે આપણને દયા કરીને કહે કે આવો, અહીં બેસો, આમ સર્વે અક્ષરધામના દરવાજા ઉઘાડા મૂક્યા છે એમ જાણવું અને મોટાને વિષે કોઈ રીતે મનુષ્યભાવ કલ્પવો નહિ.