તૃતીય આવૃત્તિનું નિવેદન

પરબ્રહ્મનું સ્વરૂપ જાણી તે જ્ઞાનની મસ્તીમાં રહેતા એવા મુક્તાત્માઓને એ દિવ્ય સ્વરૂપનું અખંડ અનુસંધાન રાખવાનું અતૂટ તાન રહે છે. એવી પ્રાપ્તિ માટે સર્વસુલભ સાધન આ લઘુ પુસ્તિકા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના દિવ્ય મુક્તો સહિત કેવાં સુખ આપે છે, કઈ રીતે આપે છે, તે સુખનો અનુભવ કેવો અવર્ણનીય છે - આવી અલૌકિક વિવિધ વાતો અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીની અનુભવ વાણીના બે ભાગોમાં સમાયેલી છે.

આ દિવ્યવાણીનો સંગ્રહ સમર્થ સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામી દ્વારા આશરે 1100 પાનાંમાં લખાયેલ છે. તેમાં સમાવિષ્ટ જ્ઞાનરસ અને શ્રીહરિના સ્વરૂપના મહિમાનું તારણ કરવાનું અતિ કઠિન કાર્ય અનાદિમુક્ત શ્રી સોમચંદભાઈએ કર્યું અને આ વાતોનો 'ગુટકો' વાચકવૃંદને નિત્યપાઠમાં સરળતા રહે એ ઉદ્દેશથી એક હસ્ત-પુસ્તિકા (Hand Book) જેવા સ્વરૂપમાં સં. 2014 (ઈ.સ. 1958)માં છપાવી પ્રગટ કર્યો.

સર્વોત્તમ જ્ઞાનભાગમાંથી ચૂંટાયેલ પુષ્પોના ગુચ્છ જેવું સુરમ્ય આ 'અધ્યાત્મજ્ઞાન' પુસ્તકની દ્વિતીય આવૃત્તિ 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' દ્વારા સર્વહિતાર્થે પ્રકાશિત કરવામાં આવી હતી, જે હવે અપ્રાપ્ય બનેલ છે. આ પુસ્તકની ઉપયોગીતાને ધ્યાનમાં રાખી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા જ આ તૃતીય આવૃત્તિ સત્સંગ સેવાર્થે રજુ કરીએ છીએ, તેનો લાભ લઈ સુજ્ઞ વાચકોને પરબ્રહ્મ પરમાત્માના સર્વોપરી સ્વરૂપમાં જોડાવાની દિવ્ય પ્રેરણા મળી રહે એજ અભ્યર્થના.

સં. 2058, મહા સુદ ચોથ

ઈ.સ. 2002, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન