૯૭

મોટા મુક્તને વિષે મન, કર્મ, વચને બંધાઈએ તો તેમના જેવી સ્થિતિ થાય, માટે મોટા અનાદિને દિવ્ય ભાવે સંભારવા તો મૂર્તિથી બહાર નીકળાય નહિ ને સાર્ધમ્યપણું આવે. મહારાજને સજાતી થાય ત્યારે સાર્ધમ્યપણું કહેવાય.

એક હરિભક્તને મહારાજ તેડવા આવ્યા; ત્યારે તેમને એવું દેખાણું જે આખું બ્રહ્માંડ મુક્તથી ઠસાઠસ ભરાઈ રહ્યું છે અને વચ્ચે મહારાજ બિરાજમાન છે. પછી તેમને સંકલ્પ થયો જે મારે મહારાજ પાસે ક્યાં થઈને જવું એટલે સર્વે મુક્ત મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. એમ મુક્ત મૂર્તિમાં રહે છે, તે મુક્ત સદા સાકાર છે. એવા મહામુક્તની કૃપાએ અંતર્વૃત્તિ થાય તો સત્સંગ બધો ય દિવ્ય જણાય. આપણને ખરેખરો મુદ્દો મળ્યો છે. પણ બાળકની પેઠે અજાણમાં જાય છે. મહારાજની મૂર્તિથી મુક્ત જુદા નથી, જુદા સમજે તો નાસ્તિકભાવ છે. મૂર્તિ તો સદાય એક સરખી જ છે, પણ મહિમાનું અપારપણું છે અને સુખ, પ્રકાશ, સામર્થીનું અપારપણું છે. તે હેતુ માટે મૂર્તિનું અપારપણું કહેવાય છે.