પ્રસ્તાવના

0:000:00

ગિરિમાળાઓમાં સંતાઈ નહિ રહેતાં નદીપ્રવાહો લોક કલ્યાણાર્થે જગત તરફ વળ્યા ત્યારથી ગંગા અને જમના ભારતભૂમિમાં લોકમાતાઓ થઈ પૂજાઈ. પવિત્રતાના એ પ્રવાહોની જેમ જ્ઞાનસાગરના અતાગ પ્રવાહો પણ બહાર નીકળી મુમુક્ષુ વર્ગને પાવન કરે છે ત્યારે અનેકાનેક આત્માઓ મહાપ્રાપ્તિને પામવાના માર્ગ પર ચડી જાય છે. આ પાવનકારી પ્રવાહો અપાર શક્તિથી ભરેલા છે, પણ ઘણી વાર તે જગતને દર્શન આપ્યા વિના જ ગણ્યા ગાંઠ્યા ભાગ્યવંત મુમુક્ષુઓને ઉદ્ધારીને જ અદૃશ્ય થઈ જાય છે, પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનુપમ સંપ્રદાયમાં તો આવા અસંખ્ય મીઠા પ્રવાહો મોકળા વહ્યા છે, અને મહામોટા સદગુરુવર્યોના સમાગમનો લાભ નહિ પામી શકેલા હરિભક્તો તેમની સંગ્રહિત વાતોમાંથી અનુભવજ્ઞાનના અમૃત પીને તૃપ્ત થયે જ ગયા છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો આ જ્ઞાન વારસો મોટા મોટા સદગુરુ સંતો મુમુક્ષુઓને વહેંચતા જ રહ્યા છે. અ. મુ. સદ્. સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામી, અ. મુ. સદ્. સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી, અ. મુ. સદ્. સ્વામી શ્રી નિત્યાનંદ સ્વામી, અ. મુ. સદ્. સ્વામી શ્રી નિષ્કુળાનંદ સ્વામી, અ. મુ. સદ્. સ્વામી શ્રી બ્રહ્માનંદ સ્વામી આદિ મહાસમર્થ જ્ઞાનાચાર્યોએ વિવિધ રીતે શ્રીજી મહિમા કહ્યા બાદ, અ. મુ. સદ્. સ્વામી શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો જેવા પુસ્તકો દ્વારા એ જ્ઞાનપ્રવાહ જ્ઞાનપિપાસુ હરિભક્તોને તૃપ્ત કરતો ચાલ્યો જ આવ્યો છે. આ અણમોલા પ્રવાહની એવી એક મીઠી સેર અ. મુ. સદ્. સ્વામી શ્રી વૃંદાવનદાસજી સ્વામીની શાંત, દૃઢ, નિર્મળ અને દિવ્ય જ્ઞાનધારામાં હરહંમેશ, હરપળે, વર્ષો સુધી વહેતી રહી હતી, પણ એ મીઠી જ્ઞાનધારાનો લાભ લેવામાં અને તે જ્ઞાનામૃત પચાવી શ્રીજીની મૂર્તિના દિવ્ય સુખને પામવામાં જ સૌ સમાગમમાં આવનાર હરિભક્તોનું તાન રહેતું. સૌ સ્વામીશ્રીની મસ્ત, દિવ્ય, અમૃતવાણીમાં ગુલતાન થઈ બેસતા અને એ અમીપાન કરી અનુભવજ્ઞાનનું સુખ પામતા, પણ આવા ભાગ્યશાળી ભક્તો તો થોડા જ હતા. સ્વામીશ્રીની જ્ઞાનધારા સત્સંગમાં બહુ થોડાને પરખાઈ હતી, અને ઘણાને તે લાભનો ખ્યાલ સુધ્ધાં પણ ન હતો. એવા હરિભક્તો અને સમગ્ર સત્સંગને આ ચુકાયેલી તકનો લાભ મળે, અને ભાવિ હરિભક્તોને સર્વોપરી જ્ઞાનનો આશાતારો શ્રીજી પ્રાપ્તિના કઠિન માર્ગ પર સહેલાઈથી દોરે એની ચિંતા એક આત્મામાં થઈ ત્યારથી આ વેડફાઈ જતી જ્ઞાનગંગા ઝીલવાનું કાર્ય શરૂ થયું, અને આ વાતોના સંગ્રહનો આરંભ થયો.

આ પરોપકારી વ્યક્તિ સ્વામીશ્રીના સેવક પાર્ષદ સોમાભક્ત હતા. શરૂઆતમાં તેમણે આ વાતોનો સંગ્રહ શરૂ કર્યો અને પછી થોડા વખત બાદ સ્વામીશ્રીના ઐશ્વર્ય પ્રતાપથી આકર્ષાઈને પોતે સ્વામીશ્રીની સાથે રહેવા માટે અને સેવા લાભ ઉઠાવવા માટે દીક્ષા ગ્રહણ કરી ચૈતન્યદાસજી નામે સાધુ થયા હતા. સમાગામના વધારે મળતા લાભને લીધે તેમણે સંગ્રહ કાર્ય ચાલુ જ રાખ્યું હતું. સ્વામીશ્રી પ્રત્યેની તેમની પૂજ્યભાવભરી મમતાને કારણે, શ્રીજીમહારાજની ઇચ્છાથી તેઓ ધામમાં જવા તૈયાર થયા ત્યારે પણ સ્વામીશ્રીની સેવા કરવા ઇચ્છા બતાવેલી, પણ સ્વામીશ્રીએ તરત જ તેમને ચેતવી દીધા કે મૂર્તિ વિના કોઈ પણ પ્રકારની ઇચ્છા જન્મ ધરાવે છે માટે મૂર્તિમાં જોડાઈ જાઓ. સ્વામીશ્રીનું આ શિક્ષાવચન તેઓ સાનમાં સમજી ગયા અને તરત તેમને મહારાજના દિવ્ય તેજોમય દર્શન થયાં.

સ્વામીશ્રીના આ જ્ઞાનપિપાસુ અને જ્ઞાની શિષ્યે છેક સુધી વાતોનો સંગ્રહ ચાલુ રાખ્યો હતો, અને સ્વામીશ્રીએ પણ તેમને કૃપા કરી મૂર્તિમાં રાખ્યાનું જ્ઞાન ટૂંક સમયમાં આપ્યું હતું, જે તેમણે પૂછેલા પ્રશ્નોમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

'વાતો'ના દિવ્ય જ્ઞાન ઉપર વિવેચન અસ્થાને છે. શ્રીજીની મૂર્તિમાં સદૈવ રસબસ રહ્યા થકા આ લોકમાં દૃષ્ટિગોચર વર્તતા અનાદિમુક્તની દૃષ્ટિએ તો પોતાની સર્વ ક્રિયા કારણમૂર્તિ જ કરે છે. એવા મૂર્તિ સ્વરૂપ મુક્તો દ્વારે જે કાંઈ થતું હોય તેના કર્તા મહારાજ પોતે જ છે. આ વાત મોટા મુક્તની કૃપાદૃષ્ટિએ જ યથાર્થ સમજાય છે. એવા મૂર્તિ સ્વરૂપ મુક્તોની વાણી એ અનુભવજ્ઞાનની અમૃતવાણી છે. 'રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પય માંહી ભળી' - રસબસભાવે વર્તતા મુક્તો શ્રીજીની દિવ્ય સાકાર મૂર્તિમાં રહ્યા થકા દિવ્ય સાકાર છે. એવા મુક્ત રસબસભાવે ઓતપ્રોત તદ્રૂપ તલ્લીન રહીને જ મૂર્તિના દિવ્ય સુખનું પાન કરનારા હોવાથી એમનાં દર્શન ને સેવા તે સ્વયં શ્રીજીમહારાજનાં દર્શન-સેવા તુલ્ય મહારાજે ગણાવેલ છે. આવા મહામુક્તોની પંક્તિના આ જ્ઞાનસાગર સ્વામીશ્રીની જ્ઞાનવાણીનું પાન કરી શ્રીજીની દિવ્ય મૂર્તિનું અગાધ જ્ઞાન સહેજે આ 'વાતો'માંથી પમાય તેમ છે. આ દિવ્ય જ્ઞાનની વાતોનું શ્રવણ, મનન કરી સાક્ષાત્કાર કરવાનો આગ્રહ રાખવો અને શ્રીજીનો રાજીપો મેળવવો એ મુમુક્ષુ માત્રને હવે સહેલ થઈ જશે. એ જ આ 'વાતો' પ્રસિદ્ધ કરવાનો ઉદ્દેશ છે.

આ પાવનકારી જ્ઞાનપ્રવાહમાં સૌ જ્ઞાનપિપાસુ મુમુક્ષુઓ તલ્લીન થઈ જાય અને શ્રવણ-મનનના અભ્યાસથી શ્રીજીની દિવ્ય મૂર્તિનો સાક્ષાત્કાર કરે એ જ આ પુસ્તકની પ્રસિદ્ધિની સાર્થકતા છે. વાચક બંધુઓ! આપ સૌ એ પવિત્ર પ્રવાહનો ખૂબ લાભ ઉઠાવો, શ્રીજીની પ્રસન્નતા મેળવો અને અનાદિમુક્તની અલભ્ય, અગમ્ય સ્થિતિની પ્રાપ્તિને પામો એ જ અમારી શુભ આશા છે!


પ્રકાશન સમિતિ

સંવત ૨૦૦૧

શ્રીહરિ જયંતી

અમદાવાદ


સત્સંગ સેવક

પરીખ બળદેવદાસ વલ્લભદાસના જય શ્રી સ્વામિનારાયણ