વાર્તા : ૧૧૭
લોયાનું 7મું વચનામૃત વંચાતું હતું તેમાં શાસ્ત્રે જાણે તે નેત્રે દેખે તે વાત આવી. ત્યારે સ્વામી બોલ્યા કે દેહભાવ જાય તો પૂરું ને જ્યાં સુધી દેહભાવ હોય ત્યાં સુધી અધૂરું. તે સમજણે કરીને જાય અથવા લાજે કરીને પણ જાય. આપણે કોઈ વાતનો અરેરાટ તો કરવો જ નહિ. જુઓને! વ્યવહાર તો થયા જ કરે છે. નદીનાં પાણી કોણ ઠેલે છે? એ તો એના સ્વભાવ છે તે ચાલ્યા જ કરે, તેમ વ્યવહાર થયા જ કરે. માટે આપણે તો મહારાજની મૂર્તિમાં જોડાઈ રહેવું. મંદિરમાં બેઠા પછી મંદિર રોજ કરવું ને પાડવું ને ફેરવાફેરવ કરવું એમ હોય? ના જ હોય. એ તો માંહી બેસીને મહારાજનું સુખ લીધા જ કરવું પણ બીજું ઉત્થાન તથા ક્રિયા કરવી એ રહ્યું જ નહિ, ને એમ જાણવું જે હું અખંડ મૂર્તિમાં જ છું તો સુખ પમાય. જેમ લોકો જવખાર કાઢે છે તેને અપાર દાખડો પડે અને ગાંધીને ત્યાં લેવા જાય તો તરત મળે તેમ કૃપાએ તરત કામ થાય. ક્રિયાએ તો ઘણો દાખડો પડે માટે જ્ઞાનીને મહારાજ સદાય છે જ. ક્યાંય ગયા આવ્યા નથી. જેમ અમારે તો ત્યાગી થયા એટલે ગામ છે જ નહિ. અમારે તો મંદિર છે, તેમ જ્ઞાનીને તો એક મહારાજ જ છે. તેથી પોતે સુખનો ભોક્તા છે, એમ મનાઈ જાય એટલે થયું. ॥ ૧૧૭ ॥