વાર્તા : ૧૪૫
સભામાં પ્ર. પ્ર. 20મું વચનામૃત વંચાતું હતું ત્યારે સ્વામી કહે, આમાં શુકસ્વામીએ મહારાજને પૂછ્યું કે પોતાના આત્માનું દર્શન શું પોતાના હાથમાં છે? ત્યારે મહારાજ કહે છે કે ક્યારે એણે જોયાનો આદર કર્યો અને ન થયું? આદર કરે તો તરત દેખે. અનાદિમુક્તની સ્થિતિવાળા હોય તેને તો આત્મા મૂર્તિ ભેગો જ દેખાય, પણ જુદો દેખાય નહિ. મૂર્તિ ભેગા અનંતકોટી મુક્તો છે. વચનામૃતમાં જાણપણારૂપ ધામનો દરવાજો કહ્યો છે તે દરવાજે રહેવું અને નામામેળ કરવો કે આપણે કેટલા શ્વાસ મહારાજ સંભારતાં ભરાણા અને કેટલા શ્વાસ જગતવ્યવહાર સંભારતાં ભરાણા, કેટલાં સ્વપ્ન મહારાજનાં આવ્યાં અને કેટલાં જગત સંબંધી આવ્યાં, તે જોયા કરવું, એમ કરતાં કરતાં સિદ્ધતા થઈ જશે. જેમ વૃક્ષ નવાં નવાં પાંદડાં કાઢે છે, માબાપ છોકરાંને ખાવાપીવા આપે છે તે શું કરવા? તો મોટા કરવા. તેમ આપણે પણ મોટા થવું અને આ કામ કરી લેવું. તેમાં પહેલું તો પોતાનું કરવું પછી બીજાને મૂર્તિમાં જોડવા. આમ કરશો તો પૂરું થશે. જો વ્યવહારમાં જોડાણા તો આ અધૂરું રહેશે અને વ્યવહારનું તો કોઈનું પૂરું થયું નથી ને થશે પણ નહિ, એ તો અધૂરું જ છે, પણ જો આ કામ પૂરું થયું તો સર્વે કામ પૂરાં થયાં જાણવાં. ॥ ૧૪૫ ॥