વાર્તા : ૧૩૯
લુણાવાડાના હરિભક્ત શુકદેવજીએ વાત કરી કે સ્વામી! મારે બે દીકરા છે; તેમાં એક સત્સંગી છે ને એક કુસંગી છે. કુસંગીને તો મેં શાપ દીધો છે જે મારી જાંઘ ફાટે તો તને દીકરો થાય, અને બીજો જે સત્સંગી છે તેને તો હું સારા આશીર્વાદ આપું છું, તેથી તેને બહુ સારું છે. માટે કુસંગીને અને આપણે શું? પછી સ્વામી બોલ્યા જે એવી સાચી સમજણ હોય તો મહારાજ રાજી રહે. આપણે પણ સત્સંગનો એવો પક્ષ રાખવો. આપણે ઘણા વખતથી સત્સંગ કરીએ છીએ, પણ મહારાજનો સાક્ષાત્કાર કેમ થતો નથી તે વિચારવું. જેમ દોરામાં લગાર ગલફો હોય તો સોયમાં ન આવે, તેમ આપણે ગલફો ન રાખવો. આપણે બહુ ભારે સમય આવ્યો છે તે શું? તો ભગવાન તો હતા, પણ પોતે દયા કરી પ્રગટ કરી આપ્યા એટલે ઓળખાવ્યા. તે માટે પ્રગટ ભગવાનનો જોગ કરવો. ‘पुण्य पापे विधुय’ તે પુણ્ય ને પાપના બેય સંકલ્પ કાઢી નાખવા, નહિતર બેય જન્મ લેવરાવે, માટે બેયનો ત્યાગ કરવો. પ્રગટના યોગે કરી સુખિયા થઈ જવું. ॥ ૧૩૯ ॥