વાર્તા : ૨૦
સભામાં મુક્તના ભેદની વાત થતી હતી તે પ્રસંગે સ્વામી બોલ્યા જે એકાંતિક જીવન મુક્ત કહેવાય. પરમ એકાંતિક વિદેહી મુક્ત કહેવાય અને અનાદિ કૈવલ્ય મુક્ત કહેવાય. આ મુક્તો કેવી રીતે ઓળખાય? તો એકાંતિક હોય તે સાધને કરીને મૂર્તિમાં જોડાય અને આ લોકમાં ક્યાંય લેવાય નહિ. પરમ એકાંતિક હોય તે મહારાજની ઇચ્છાથી પૃથ્વી પર દેખાય ત્યારે પ્રથમ મુમુક્ષુને દર્શન થાય પછી તેમના સાથે હેત થવાથી તેમને મોટા પુરુષ જાણે. એમ કરતાં કરતાં હેત વધતું જાય ત્યારે તેમનો વિશ્વાસ આવે. પછી તેમની પાસેથી જ્ઞાન સાંભળીને તેને એમ થાય જે આ પરમ એકાંતિક વિદેહી મુક્ત છે; પછી પોતે પણ એવો થાય. અને અનાદિમુક્ત હોય તે તો મહારાજની મૂર્તિમાં અખંડ રહે છે એમ વાત કરી મુમુક્ષુઓને મહારાજને વિશે હેત કરાવે. પછી તે હેતે સહિત પોતાનું જ્ઞાન આપીને અનાદિમુક્તની સ્થિતિ ઓળખાવે ત્યારે તે મુમુક્ષુને હેત અને વિશ્વાસથી એમ જણાય જે અનાદિમુક્ત તો મૂર્તિમાં જ સદાય રહે છે એટલે મહારાજ દેખાય છે, અને મને ઉપદેશ કરી મહારાજે અનાદિમુક્તની સ્થિતિ ઓળખાવી. આમ અનાદિની સ્થિતિ થયા પછી મૂર્તિમાં રહેલા અનાદિમુક્તને દેખે ત્યારે ખરી રીતે દેખ્યા કહેવાય, ને પોતે પણ અનાદિમુક્ત થયો કહેવાય. ॥ ૨૦ ॥