વાર્તા : ૧૫૮
દેહમાં દેવ સર્વે ઘર કરી બેઠા છે એને ઉઠાડી મૂકવા તે કાંઈ નાની સૂની વાત નથી, કેમ કે સૌના ગરાસમાંથી ખસવું તે કઠણ પડે. મોટા મુક્ત વારે વારે ચેતાવે છે કે દેહ ઇંદ્રિયોવાળા આપણને ભોળવી કુસંગી ન કરી નાખે. એવો ખટકો એ રખાવે છે ત્યારે રહે છે. માટે સત્સંગ વિનાના સાથે આપણે હેત ન રાખવું. આપણને મહારાજે નિયમ બાંધી દીધા છે તેથી મંગળા, શણગાર, માનસી પૂજા, સંધ્યા આરતી, જમાડવું, પોઢાડવું, એમાં નવરાશ ન રહે. એ ચિંતવન મુખ્ય થાય એટલે મહારાજ સદાય સાંભરે. માનસી પૂજા પણ શિયાળા, ઉનાળા, ચોમાસા આદિકની જુદી જુદી તેમ જ પ્રત્યક્ષ પૂજા કરનારને પણ અખંડ ચિંતવન થાય. મંદિરમાં ભગવાન બિરાજે છે ત્યાં જળપાન, ચંદન, પુષ્પહાર, શયન વખતે સેવા, ભેટવું એ આદિક સર્વે પ્રવર્તાવ્યું તે દેહભાવથી નોખા પાડવા માટે આવી કળા કરી. તે વિના આવા કુસંગથી નોખું પડાય તેમ નથી, કેમ કે જીવને વાસિતપણું બીજું ઘણું થયું છે તે કાઢવા મહારાજે આટલા દાખડા આપણા માટે કર્યા છે. એમ જણાય તો કામ તુરત થઈ જાય. ॥ ૧૫૮ ॥