વાર્તા : ૫૯
મહારાજ વિના બીજું બધું કાઢી નાખવાનું છે. તેથી જો રોજ રોજ એક એક ઓછું કરતા રહીએ તો ય થોડા દિવસમાં બધું નીકળી જાય. એક દિવસે પૃથ્વી, બીજે દિવસે જળ, એવી જ રીતે તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ એ બધાં કાઢતાં કાઢતાં નીકળી જાય. કરવા માંડીએ તો બધું ય થાય. માટે કામ, ક્રોધ, લોભ, માન, રસાસ્વાદરૂપી કાંટા કાઢવા માંડો તો શું ન થાય? કોઈ કહે કાંટા કેમ નીકળે? તો મહારાજ અને સંતના વચનરૂપ કાંટા કાઢવાના ચીપિયા ઘણા છે, પણ શોધે તો હાથ આવે. કેટલાકને સાઠ-સિત્તેર વર્ષ થઈ ગયાં હોય તો ય કાંટા કાઢ્યા વિના નીકળતા નથી અને એ કાંટા માંહી રહીને પાક્યા કરે છે, એટલે દુઃખ બહુ થાય છે. ત્યારે એ કહે છે કે હવે આ ક્યારે નીકળે? જુઓને! લક્ષ્મણજીને શલ્ય વાગ્યા હતા, તે વિશલ્યકરણી ઔષધિ પાઈ એટલે શલ્ય ઓગળી પાણી થઈને નીકળી ગયા. તેમ આપણે મહારાજ અને મોટા મુક્તના વચનરૂપ વિશલ્યકરણીનું પાન કરવું તો એ કાંટા નીકળી જાય. ॥ ૫૯ ॥