શ્રી વૃંદાવનદાસજી સ્વામીનું જીવન ચરિત્ર

0:000:00

અક્ષરાધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિ મુક્તરાજ સંતવર્ય સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી એટલે પરમ પવિત્ર અને ચારિત્ર્યવાન સંત. લૌકિક દૃષ્ટિએ તેઓશ્રીએ આ લોકમાં 95 વર્ષ સુધી દર્શન આપ્યાં. તેમાં 75 વર્ષ સુધી સત્સંગની મહામોંઘી સેવા કરી અનેકને શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના સુખભોક્તા કર્યા.

એમનો જન્મ કચ્છ દેશમાં ભારાસર ગામે કણબી જ્ઞાતિમાં થયો હતો. બાળપણથી જ તેમનો સુંદર ચહેરો અને હસતું મુખ જોઈ માતા, પિતા તથા સંબંધીજનોને સહેજે એમ જણાતું કે આ કોઈ દિવ્ય, ચમત્કારી પુરુષ છે. ઘરમાં તથા સગાંવહાલાંઓમાં સૌને સત્સંગ હોવાથી નાનપણથી જ પોતે મંદિરે જતા આવતા. સાત-આઠ વર્ષની ઉંમરે તો સહુ હરિભક્તો સાથે પોતે પૂજા, માનસી પૂજા વગેરે કરવા લાગ્યા. કથા-વાર્તા થતી હોય ત્યાં પણ બેઠા હોય. કોઈ વાર તો ધ્યાનમાં બેસી જાય. આમ દિન-પ્રતિદિન તેમનું અંગ સત્સંગમાં વૃદ્ધિ પામતું ગયું. કચ્છના રિવાજ પ્રમાણે થોડો વખત નિશાળે જઈ ભણ્યા. પોતાને ભગવાન ભજવા-ભજાવવાનું તાન વિશેષ હોવાથી બીજી ક્રિયામાં ચિત્ત ચોંટતું જ નહિ. કોઈ વાર ભૂજથી કે ગામડાંઓમાંથી સંતો આવ્યા હોય ત્યારે સભામાં મહારાજના મહિમાની વાતો થાય ત્યારે પોતાને મનમાં એમ થતું જે, 'આ સંતો ભગવાનના સુખે સુખિયા છે, એવા સુખિયા કેમ થવાય? વ્યવહારમાં રહીને તો ભગવાન ભજવાની નવરાશ મળે તેવું જણાતું નથી.' આવા વિચારે જ્યારે કોઈ કોઈ વાર ભૂજ, અંજાર, માંડવી વગેરે ગામોમાં ઠાકોરજીનાં દર્શન કરવા જતા ત્યારે ત્યાં બે ચાર દિવસ રોકાઈ જતા. તેમનું ભગવદભક્તિ અને વૈરાગ્યપરાયણ અંગ જોઈ કોઈ કોઈ સંતો તેમને ત્યાગી થઈ જવાનો બોધ પણ કરતા. પોતાની મૂળ રુચિમાં આ ઉપદેશ તેમને પુષ્ટિરૂપે થતાં ત્યાગી થઈ જવાની અતિશય ઉત્કંઠા થઈ આવી. જ્યારે પંદર વર્ષના થયા ત્યારે ભૂજ જવા માટે નિશ્ચય કર્યો, પણ વિચાર કરતાં એમ લાગ્યું કે આ દેશમાં ત્યાગી થવાથી માતાપિતા તેમજ કુટુંબીજનો ઉપાધિ કરશે. માટે ગુજરાતમાં જવાય તો આવી કોઈ ઉપાધિ થાય નહિ.

એક દિવસ પોતાની પાસે એકાદ બે કોરીઓ હતી ત્યારે પોતાના આ નિર્ણય પ્રમાણે ગૃહત્યાગ કરવાનો વિચાર નક્કી કર્યો. એટલી કોરીથી વહાણમાં બેસી સામે કાંઠે ઊતરી જવાશે પછી હરકત નહિ આવે, એમ જાણી ઘેરથી એકાએક ચાલી નીકળ્યા. બીજે દિવસે ખારી રોડ જઈ, વહાણમાં બેસી વવાણિયા બંદર ઊતરી, પગ રસ્તે ગામડાંઓમાં ફરતા ફરતા અમદાવાદ પહોંચ્યા. પાછળથી માતાપિતા તથા સંબંધીજનોને બહુ ઠેકાણે તપાસ કરવા છતાં મળ્યા નહિ ત્યારે સોને એમ જણાયું જે, એમને વૈરાગ્ય બહુ હતો તેથી એ મૂળી, અમદાવાદ, ગઢડા, વડતાલ, એમાંથી કોઈક ઠેકાણે ગયા હશે. એમને આ લોકના સુખની રુચિ નહોતી એટલે એ કાંઈ બીજે જાય તેવા નથી; તેમ વ્યવહારમાં રહે તેમ પણ નથી. આવા વિચારે એ વખતે તો ધીરજ રાખી રહ્યા. સ્વામીશ્રી તો પૂર્વના મુક્ત હોઈ તેમણે આ લોકની કે સગા-સંબંધીની ગણતરી જ ન રાખી.

થોડા વખત બાદ, અમદાવાદમાં આચાર્ય મહારાજશ્રીએ સ્વામીશ્રીની સહેજ રુચિ જાણવા ઘર તથા સંબંધીની હકીકત પૂછી, અને તેમની સાધુ થવાની ઇચ્છા જાણ્યા પછી પ્રથમ કોઠારી સંત પાસે રહેવા કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, 'કોઠારને લીધે તેમને વ્યવહાર હોય ત્યાં મને ભગવાન ભજવાનું સુખ ન આવે.' પછી ભંડારી ભેળા રહેવા કહ્યું. ત્યારે પણ એવી જ રુચિ જણાવી. છેવટે ગવૈયા સંત પાસે રહેવા કહ્યું, ત્યારે પણ પોતે અરુચિ દેખાડી, અને પોતાને તો પ્રભુ ભજવા તરફ જ લગની હતી, તેથી પોતે પસંદ કરેલ સ્વામી માધવજીવનદાસજી પાસે રહેવા જણાવ્યું. તેથી આચાર્યશ્રીએ દીક્ષા આપી તેમને સાધુ કર્યા. જ્યારે તેમના માતાપિતાએ કચ્છમાં આ વાત જાણી ત્યારે તેઓ શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હોવાથી મન વાળી રહ્યા, અને સમજ્યા કે, 'એમણે તો એમનું સુધાર્યું! ત્યાં બેઠા એ અખંડ મહારાજનું ભજન કરશે અને આપણે દર્શન કરી રાજી થઈશું! બીજું શું થાય! હવે તો તેમનાં દર્શને સંતોષ માનવો રહ્યો!' આવા વિચારોની જાણ થતાં સ્વામીશ્રીને પણ ઘર તરફથી ઉપાધિ થવાની બીક મટી ગઈ.

સ્વામીશ્રીને નાની ઉંમરમાં જ ભગવાન ભજવાની રુચિ હોવાથી તેમ જ પોતે નિયમ-ધર્મમાં સાવધાન હોવાથી, મોટા મોટા સંતો તથા ગુરુશ્રી તેમના ઉપર વધુ ને વધુ પ્રસન્ન થવા લાગ્યા. મંદિરમાં જ્યારે સંસ્કૃત ગ્રંથોની કથા થતી હોય ત્યારે સ્વામીશ્રી એમ વિચારે જે આવું ભણ્યા હોઈએ તો શ્રીજીમહારાજના લીલાચરિત્રની કથાઓ થાય. તેમના ગુરુ માધવજીવનદાસજી સ્વામીએ આ વાત જાણી એટલે તેમને ભણાવ્યા. સ્વામી તો પૂર્વના જ વિદ્વાન હોવાથી થોડા વખતમાં વિદ્યા સંપાદન કરી પુરાણી થઈ કથા કરવા લાગ્યા. તેમની કથા વાંચવાની તથા વાતો કરવાની ઢબ ઘણી અસરકારક હોવાથી સ્વામી માધવજીવનદાસજીને તેમના પર હેત વધતું ગયું. સ્વામીશ્રી પણ સંતગુણે સંપન્ન હોવાથી દિવસે દિવસે મંદિરના વ્યવહારની અને મોટા મોટા સંતોને રાજી કરવાની રીત શીખી ગયા.

અમુક સમય જતાં ગુરુશ્રીની હાજરીમાં જ પોતે આગેવાન થઈ અમદાવાદ મંદિરની મહંતાઈ લીધી. એ વખતે ધ. ધુ. આચાર્યશ્રી તથા મોટા મોટા સંત, હરિભક્તો વગેરેની મરજી સાચવી તેમને રાજી કરી દીધા. બીજી વખત તેઓશ્રી ધોળકા મંદિરના પણ મહંત થયેલા.

આમ પોતે ચારિત્ર્યવાન તથા વ્યવહારકુશળ સંત હોવા છતાં જ્યારે તેમને સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીનો સંબંધ થયો અને દિવ્ય ગુણોથી બંનેને પરસ્પર હેત થયું ત્યારે અતિ દુર્લભ પ્રાપ્તિ અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનો યોગ થયો.

આ ત્રિમૂર્તિ દિવ્ય સ્વરૂપોનો અભિપ્રાય અનેક જીવોનો મોક્ષ કરવાનો હોઈ તેમણે નરનાટ્ય ધર્યું હશે એમ તો સૌ કોઈને એ વખતે ક્યાંથી સમજાય? એ વખતે તો આ સંતો બાપાશ્રી સાથે હેત જણાવે, યોગ સમાગમ કરે, સેવાઓ કરી રાજી થાય, બાપાશ્રી પણ સંતોનો મહિમા કહે, ચંદન-પુષ્પથી પૂજાઓ કરે, મળે, આશીર્વાદ આપે. આ સંતો પણ પ્રતિવર્ષ કચ્છમાં સંત-હરિભક્તોને સાથે લઈને જાય. ત્યાં અનેક પ્રકારે બાપાશ્રીને રાજી કરે, મહારાજના મહિમાની તથા રહસ્યજ્ઞાનની વાતો સાંભળે. આમ કરતાં એવું ગાઢ હેત બંધાયું કે કોઈને જુદું રહેવું ગમે નહિ. આથી કેટલાક સંત-હરિભક્તોને સમજાઈ ગયું કે શ્રીજીમહારાજના સંકલ્પથી આ બંને સદગુરુઓ તથા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી જીવોના કલ્યાણ કરવા દર્શન આપે છે. આ રીતે થોડા જ વખતમાં આ સમર્થ સંતોએ બાપાશ્રીનો અત્યંત મહિમા જાણી યોગ, સમાગમ અને સેવાએ રાજી કરી, રહસ્ય અભિપ્રાય જાણી લીધો કે શ્રીજીમહારાજે પોતાની દિવ્ય મૂર્તિમાં રસબસ કરવા રૂપ અનાદિમુક્તની સ્થિતિ કરાવવા બાપાશ્રીને સત્સંગમાં મોકલ્યા છે.

આ હેતુથી બંને સંતોએ પણ પોતાના સમાગમમાં આવનારને આ દિવ્ય સ્વરૂપની ઓળખાણ કરાવી મૂર્તિનું રહસ્યજ્ઞાન આપવા માંડ્યું. અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ જાણે એવી જ ઉતાવળ કરવા ધાર્યું હોય તેમ આ બને સંતોને પોતાની સાથે રાખી વર્ષોવર્ષ કાંઈ ને કાંઈ નિમિત્તો ઊભાં કરી, કચ્છમાં સાધારણ રીતે કોઈથી બની ન શકે એવા મોટા યજ્ઞો કર્યા. તેમાં હજારો સંત, હરિભક્તોને ગામેગામથી પોતાની પાસે બોલાવી મોક્ષનાં વરદાન આપવા માંડ્યાં. આ સંતોએ બાપાશ્રીને પ્રેમભાવે વશ કરી લીધેલ હોવાથી ગામોગામ ફેરવી, ઓળખાણ કરાવી, અનેકને મૂર્તિમાં રાખવા રૂપ આત્યંતિક મોક્ષના આશીર્વાદ અપાવ્યા.

આ રીતે સદગુરુ સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજીનો મેળાપ થયા પછી અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીની પૂર્ણ કૃપાનો લહાવ મળતાં આ સ્વામીશ્રીનો જાણે જીવન પલટો થઈ ગયો હોય તેમ જણાવા લાગ્યું. પછી તો સભા પ્રસંગે કે પોતાને આસને જ્યારે જ્યારે વાતો થતી હોય ત્યારે મુખ્યપણે એની એ જ વાત થાય. 'મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે,' 'અનાદિમુક્ત રસબસભાવે સુખ લીધા જ કરે છે,' 'આપણા બહુ મોટાં ભાગ્ય જે આવી પ્રાપ્તિ થઈ,' 'મહારાજને પ્રગટ જાણ્યા વિના પ્રગટ પ્રાપ્તિ ન થાય,' 'ચૈતન્યને મૂર્તિરૂપ કરી મહારાજે સાથે રાખ્યો ત્યારે દેખાવ કોનો રહ્યો?' 'મૂર્તિરૂપ થઈને જોઈએ તો મહારાજ જ દેખાય,' 'સૌને એવી જ પ્રાપ્તિ થઈ છે,' આવી રીતે વાતો કરતા રમુજ કરે ત્યારે મુખાકૃતિનું હાસ્ય તો જાણે અજબ જ લાગે. આ સ્વામીશ્રીને અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ સદગુરુ સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી સાથે તેમની જોડ બાંધી છેલ્લા દિવસ સુધી દરેક કાર્યમાં સાથે રહેવાની આજ્ઞા કરેલી તેથી સત્સંગનાં નાનાં મોટાં દરેક કાર્યોમાં પોતે સાથે જ રહેતા.

સ્વામીશ્રી દરેક રીતે નિયમિત રહેતા હોવાથી તેમનું શરીર તદ્દન તંદુરસ્ત જણાતું. કોઈ વાર ગામડામાં ફરવા ગયા હોય ત્યારે હવાફેર કે પાણીફેરને લઈને અથવા તો શ્રીહરિની ઇચ્છાનુસાર શરીરમાં કાંઈ રોગાદિ જણાય, એ વખતે સંત-હરિભક્તો ઔષધ કરવા આગ્રહ કરે ત્યારે પોતે જ ના પાડે, ને કહે જે, 'મહારાજની મરજી હશે તેમ થતું હશે. આપણે મૂર્તિ ધારી સૂઈ રહીએ એટલે મંદવાડ કે વ્યાધિ કાંઈ જણાય જ નહિ.' કોઈ વાર સંત, હરિભક્તોના અતિ આગ્રહથી ન છૂટકે સાધારણ ઉપચાર કરતા.

સ્વામીશ્રી મુખ્યપણે અમદાવાદ મંદિરમાં રહેતા તો પણ કડીના હરિભક્તોની પ્રાર્થનાથી પોતે ઘણો વખત કડી મંદિરમાં રહ્યા. આથી ત્યાં રહેતા નાના મોટા હરિભક્તો 'આ અમારા સ્વામી છે,' 'આ કડીના સ્વામી છે,' એમ જ કહેતા. એ વખતે ફરતા ગામડાના હરિભક્તો જોગ સમાગમ કરવા આવતા તેમને પોતે મૂર્તિના સુખરૂપ દિવ્ય જ્ઞાનની લહાણી કરતા. આવી જ રીતે નળકંઠા તથા ખાખરિયા દેશના ગામડામાં હરિભક્તોને સ્વામીની કૃપાનો લહાવ વધુ મળતાં તેઓ પણ આ 'આ સ્વામી અમારા છે,' એમ માની સેવા સમાગમે રાજી કરતા. તે દેશોમાં ફરવા ઉપરાંત, કચ્છમાં તો અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીના જોગ સમાગમ માટે વર્ષોવર્ષ જવું જ જોઈએ! આ રીતે બધા દેશોમાં આ બંને સંતોએ મૂર્તિના સુખની વાતો ઘણી કરી છે. મૂળીના સંતો પણ આ સંતોને ગુરુ સમાન માની મહિમા જાણતા, તેથી સમૈયા પ્રસંગે બોલાવી જોગ-સમાગમ કરતા. તેમ જ પોતાની સાથે ગામડાંઓમાં ફેરવી સૌ કોઈને મૂર્તિના રહસ્યજ્ઞાનની પ્રસાદી અપાવતા.

સદગુરુ સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી અને સ્વામીશ્રીની અખંડ જોડ હતી. બંને સદગુરુઓ અતિ સમર્થ સ્થિતિવાળા હોવાથી શ્રીજીની મૂર્તિના સુખની દિવ્ય વાતો તેમના માટે સાહજિક હતી. સદ્. સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ તો અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીના રહસ્યજ્ઞાનનો મીઠો મેરામણ સત્સંગ સમુદાયમાં 'વાતો'ના બે ભાગ રૂપે રેલાવ્યો; શ્રીમુખની વાણી 'વચનામૃત'ના અતાગ અધ્યાત્મ-જ્ઞાન ગ્રંથને સરળ અને સ્પષ્ટ સમજાવવા, 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા' બાપાશ્રીને પ્રશ્નો પૂછી કરી, અને એવા સમસ્ત સત્સંગ સમુદાયના લાભનાં કાર્યો કરી જ્ઞાનનું સજીવન સદાવ્રત ચાલુ કર્યું.

આ બે સદગુરુઓએ શ્રીજીમહારાજના દિવ્ય સુખની તથા સર્વોપરીપણાની ઘણી ઘણી વાતો કરી છે, પણ જેમ 'ભાદરવે મહિને મે' મેઘા ન હોય' તેમ તે વખતે શિષ્ય સમુદાયમાંથી તેમની ચમત્કારી વાતો લખી લેવા તત્પર થતા કોઈ કોઈ વાર પ્રયાસ થયેલ, તે વખતે આ સંતો કહેતા જે, 'બાપાશ્રીએ જે કહેવાનું અને સમજાવવાનું છે તે બધું કહ્યું છે - સમજાવ્યું છે. આપણે તે જ પ્રમાણે વાતો કરીએ છીએ તેથી વાતો લખી લેવાથી શું વિશેષ?' આવા કારણથી તેઓની વાતો વિશેષ વિગતે લખાઈ નથી.

તેમ છતાં પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે તે પ્રમાણે સ્વામીશ્રીના શિષ્ય સોમાભક્ત-ચૈતન્યદાસજીએ આ સંગ્રહ મોક્ષાર્થી સંત, હરિભક્તોના લાભાર્થે કર્યો છે. આ ‘વાતો’ના કરનારા પ્રતાપી, શુદ્ધ વૈરાગ્યાંક્તિ, દિવ્ય જ્ઞાનના અનુભવભોક્તા, શ્રીજીની મૂર્તિમાં સદા રસબસ રહ્યા થકા કેટલાય સુપાત્ર મુમુક્ષુઓને એ દુર્લભ પ્રાપ્તિ કરાવી સુખિયા કરનારા સદગુરુ સ્વામી શ્રી વૃંદાવનદાસજી શ્રીજીના મૂર્તિરૂપ મુક્ત હતા, અને અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી સાથે રહી સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીની જોડમાં સર્વોપરી જ્ઞાનનો અનોખો ચીલો પાડી ગયા છે. એ ચીલે ચાલી એ શ્રીજીની મૂર્તિની પ્રાપ્તિ કરવામાં વૃત્તિ સ્થિર કરવી એ જ સ્વામીશ્રીની સેવા છે.