વાર્તા : ૧૬૪

0:000:00

સ્વામીશ્રીએ માસ્તર જગન્નાથભાઈને વાત કરી કે, જેમ વહાણમાં બેસે તેને સમુદ્ર તરવો પડે નહિ, વગર દાખડે સહેજે ઉલ્લંઘી જવાય તેમ મોટા પુરુષનો આશરો કરે તેને કાંઈ કરવું બાકી રહે નહિ. મોટા પુરુષ ઊંચી પદવીને પમાડે છે. જેમ વિલાયતના રાજાને અમલદારો હોય છે, તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન રાજા છે અને બીજા અવતારો એમના અમલદારો છે. એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અને તેમણે કૃપા કરી અનાદિમુક્તની સ્થિતિ જેમ છે તેમ સમજાવી અનંત જીવોને મૂર્તિમાં રસબસ રાખી સુખિયા કર્યા છે. આવી સર્વોપરી ઉપાસના, મહિમા અને સ્થિતિની વાતો અ. મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતોએ બહુ જ દાખડા કરીને સમજાવી છે, પણ જીવોને અનાદિ કાળના માયાના પાશ લાગ્યા છે અને દેહાભિમાન મુકાણા નથી એટલે સમજી શક્યા નથી, તેથી બાપાશ્રીએ પણ દયા કરી વચનામૃતમાં બધા ખુલાસા કરી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે તેમ જ પોતાની વાતોમાં પણ એવી જ સર્વોપરી સ્થિતિ, મહિમા, ઉપાસના, દિવ્યભાવ વગેરે વાતો મુખ્યપણે સમજાવી ઘણો જ પરોપકાર કર્યો છે; અને તે પુસ્તકો વાંચનાર, સાંભળનાર અને તેનાં દર્શન કરી રાજી થનાર ઉપર અત્યંત રાજીપો જણાવી આત્યંતિક મોક્ષનો આશીર્વાદ આપ્યો છે. આ વાત બાપાશ્રીએ વઢવાણમાં ડો. મણિલાલભાઈને પણ આવી રીતે જ કરી હતી અને કહ્યું હતું કે આ પુસ્તક વાંચશે તેને અમે તેડવા આવશું અને મૂર્તિના સુખમાં રાખશું. આમ જીવો ઉપર તો મોટાની અનહદ કૃપા છે તેથી જો મહારાજનાં અને મોટાનાં વચન અધ્ધરથી ઝીલે તો બહુ ભારે કામ થઈ જાય. ॥ ૧૬૪ ॥