વાર્તા : ૧૭૬
વિરમગામમાં સાધુ ચૈતન્યદાસજીને તાવ આવતો હતો ત્યારે સ્વામીશ્રીએ તેમને ભલામણ કરી કે હવે મહારાજની મૂર્તિમાં જોડાઈ જજો, કાંઈ વાસના રાખશો નહિ. તે વખતે તેમણે કહ્યું જે સ્વામી! મારે બીજો તો એકે સંકલ્પ નથી, પણ તમારી સેવા કરવાનું મનમાં રહે છે. ત્યારે સ્વામી કહે હરજી ઠક્કરની માને શ્રીજીમહારાજને થાળ કરીને જમાડવાનો શુભ સંકલ્પ રહ્યો હતો પણ તેમાંથી જન્મ ધરવો પડ્યો, માટે આવો સંકલ્પ કાઢી નાખજો. મહારાજ દિવ્ય તેજોમય છે અને મુક્ત એ મૂર્તિમાં રહ્યા છે. એ મૂર્તિમાં મહારાજે દયા કરી મને પણ રાખ્યો છે એવું અનુસંધાન રાખો. આમ વાત કરી એટલામાં તો અંતર્વૃત્તિ થઈ ગયા પછી થોડીક વાર કાંઈ બોલ્યા નહિ પણ પછી જાગૃત થઈ કહેવા લાગ્યા જે, મહારાજ આ રહ્યા! બાપાશ્રી આ રહ્યા! હવે મને કોઈ બોલાવશો નહિ, હું તો મૂર્તિમાં જ છું. તેજોમય દિવ્ય મૂર્તિ શ્રીજીમહારાજ સુખ આપે છે; એમ કહી મૂર્તિમાં જોડાઈ ગયા. ॥ ૧૭૬ ॥