વાર્તા : ૧૨૧
માંહીલા મંદવાડવાળા મૂર્તિના સુખને લઈ શકે નહિ, કેમ કે તેને પોતાના ડહાપણનો ડોડ હોય, તેથી મોટા સત્પુરુષના વચનનો વિશ્વાસ આવે નહિ તે મંદવાડ જાણવો. તે મંદવાડ જ્યારે મટે ત્યારે આ દિવ્ય સુખ પમાય. આ લોકની વિદ્યાનો પાર નથી તો મહારાજના મહિમાનો પાર તો ક્યાંથી જ હોય? અને પોતાની બુદ્ધિએ સમજવા જાય તેને તો મહારાજનો મહિમા સંપૂર્ણ સમજાય જ નહિ, કારણ કે ભગવાન તો સદાય નવું ને નવું સુખ આપ્યા જ કરે છે તેનો શી રીતે પાર આવે? ન જ આવે. વળી મહિમા પણ અધિક છે. જુઓને! મહારાજ આ સર્વેને ઘણાં સ્વરૂપ દેખાડે છે તે મહિમા જાણવો. તે શું કરવા, તો બીજાને સુખિયા કરવા માટે છે. તેથી બીજાને એ સ્વરૂપે કરીને મહારાજનું સુખ આવે છે. તે સ્વરૂપ કયાં? તો મહારાજે જેને મૂર્તિમાં રાખ્યો હોય ને દેખાવ પોતાનો કર્યો હોય તે સ્વરૂપ મહારાજનું થયું. બ્રહ્માએ કહ્યું કે ભગવાનનો મહિમા તો જે જાણતા હોય તે જાણે, પણ મારા જેવો શી રીતે જાણે? એવી રીતે મોટા બ્રહ્માદિ દેવ પણ ભગવાનના મહિમાનો પાર પામતા નથી તો બીજા કોણ પામી શકે? ન જ પામે. માટે સુખ તથા મહિમા અપાર છે તે સત્પુરુષના યોગે કરીને જણાય. ॥ ૧૨૧ ॥