વાર્તા : ૪૨
કોઈ મોટા મંદિરમાં રહી કથા-વાર્તા કરતો હોય અને અતિ નિયમ પાળતો હોય પછી બીજા મંદિરમાં એ જાય ત્યાં એવું ને એવું ન રહે પણ ઊતરતા જેવું વર્તન થઈ જાય, તો જાણવું જે તેને પ્રથમ કથાની વાત સમજાણી નહોતી. તેને તો મુખપાઠ જેવું હતું તેથી શું થાય! પણ જો લગારેક ઊંડો ઊતરેલો હોય તો ગમે ત્યાં જાય, પણ તેનો સત્સંગ વૃદ્ધિ પામે, માટે કથામાં ઊંડા ઊતરવું. હળવદના ખત્રી અમરશીભાઈના દીકરા મહાદેવભાઈને થોડી જ વાત સમજાણી હતી પણ સત્સંગ વૃદ્ધિ જ પામતો ગયો, ને વધતાં વધતાં અતિશે બળિયા થયા; પછી તો એ મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. તેમ કથા-વાર્તા કરી સાંભળીને ફળ જે મૂર્તિ તેમાં દૃષ્ટિ પહોંચે તો આ લોકના સુખ-દુઃખમાં સત્સંગ મોળો ન પડે. દિન-પ્રતિદિન મૂર્તિનું સુખ વધતું જ જાય. ॥ ૪૨ ॥