વાર્તા : ૧૫૨
ધ્યાનની વાત નીકળી ત્યારે સ્વામી કહે કે, દિવ્યભાવે સમગ્ર મૂર્તિ દેખાય એ જીવ સત્તાએ ધ્યાન થયું જાણવું. ચરણારવિંદ સામું જોવાય અને બીજાં અંગ ન દેખાય ત્યારે દેહભાવથી જોવાણું. સમગ્ર દેહ નેત્રમય હોય તો ક્યાં ન દેખાય? તેમ અનાદિમુક્તને રોમે રોમે જોવાપણું અને સાંભળવાપણું છે, કેમ કે તે મૂર્તિમાં રસબસ છે માટે આપણે તો પુરુષોત્તમરૂપ પોતાને માનીને રસબસભાવે પ્રતિલોમપણે મૂર્તિ ધારવી. એટલે મહારાજનાં હાથે હાથ, ચરણે ચરણ, મસ્તકે મસ્તક, ભાલે ભાલ એમ સળંગ જુએ ત્યારે એને ને મહારાજને છેટાપણું કેટલું? તો એને અણુ જેટલું ય છેટું નહિ. મહારાજ આગળ મુક્તનું પરતંત્રપણું કેટલું? તો મહારાજ દાતા અને મુક્ત સુખના ભોક્તા. સ્વામી-સેવક અને નિયંતા-નિયામ્ય; એમ દાસભાવ સદા રહે. એ જાણે કોણ? તો એવી સ્થિતિવાળા. ચર્મચક્ષુવાળાને એવું ભેગાપણું ન સમજાય તેથી યથાર્થપણે જાણી શકે નહિ. આપણે તો બાપાશ્રીના જોગમાં આવ્યા એટલે એમની કૃપાથી મહારાજ અને મુક્તનું ભેગાપણું જેમ છે તેમ સમજાઈ ગયું અને દેખાઈ પણ ગયું. માટે આપણે મહારાજના સુખે સુખિયા રહેવું અને એ પ્રાપ્તિના સાધનમાં કથા-વાર્તા સાથે મહારાજ અને મોટાના આશીર્વાદ લેવા.
જેમ બાપને દીકરામાં, ગાયને વાછરડીમાં હેત છે તેમ આવા સંત હરિજનમાં હેત બંધાય તે ભક્તિ કહેવાય. માટે પહેલું તો ભગવાનમાં હેત કરવું. જુઓને! વ્યવહારમાં જ્યારે હેત વધે ત્યારે ખરો સંબંધ થાય છે, તેમ આપણે હેત સાથે પ્રાપ્તિનો વિચાર કરવો જોઈએ. ભક્તિ તો નવ પ્રકારની કીધી છે તેમાં સેવા પણ છે. તો યે નિશાન વિનાના ભડાકા થાય એટલે કલ્યાણની હા ન પડે. તેથી બળ આવતું નથી. આપણે તો મહારાજની મૂર્તિ એ જ નિશાન છે. તે જુઓને, હેતવાળા સાથે મૂર્તિ બોલે છે, જમે છે, એ પ્રગટની ભક્તિ સમજવી. દિવ્યભાવવાળાને તો મહારાજે પ્રગટ, મુક્તે પ્રગટ ને સ્થાન પણ પ્રગટ, તેથી તેને આવી ભક્તિ તુરત આવી જાય. કેટલાક તો એમ કહે છે કે એ તો આગળ વાતો થઈ ગઈ. હવે નહિ. તેને તો તે દહાડે પ્રગટની ભક્તિ નહિ હોય અને આજે ના પાડે છે અને હજી નહિ સમજે ત્યાં સુધી તેનાથી પ્રગટની ભક્તિ થઈ શકે નહિ. ॥ ૧૫૨ ॥