વાર્તા : ૨૬
મહારાજ અને મુક્ત એકદેશી થકા સર્વદેશી છે તે કેવી રીતે? તો મહારાજ તો એકદેશી થકા સર્વદેશી છે જ અને મુક્તને તો મહારાજની મૂર્તિ એ જ દેશ છે, તેથી જ્યાં મહારાજ હોય ત્યાં એ મુક્ત હોય જ; માટે મુક્ત પણ એ રીતે સર્વદેશી કહેવાય. સ્વરૂપાનંદ સ્વામી લીમડા તળે સભાએ સહિત મહારાજને દેખતા હતા તેમની દૃષ્ટિમાં બીજું કાંઈ નહોતું તે એક દેશ. આવી સ્થિતિવાળાને મૂર્તિ વિના બીજું કાંઈ હોય જ નહિ, અને સુખભોક્તામાં તો દેશનું અનુસંધાન પણ ન રહે. મૂર્તિમાંથી સુખની સરર સરર શેડ્યું છૂટે છે અને સુખભોક્તા જે મુક્ત તે રસબસ રહ્યા થકા ભોગવે છે. માટે મૂર્તિના સુખમાં ઊતરવું. જ્યાં સુધી એ સુખમાં ઊતરે નહિ ત્યાં સુધી રાગરંગ ન ટળે. માટે મૂર્તિના સુખમાં ઊતરવું. મૂર્તિ વિના સુખ ન હોય. જેમ ભમરો સુગંધ ભોગવે છે પણ પુષ્પ વિના સુગંધ હોય નહિ, તેમ મૂર્તિ વિના સુખ હોય નહિ. માટે મૂર્તિ મૂકે તો સુખ ન મળે. એવી રીતે સ્વામી-સેવકભાવ દૃઢ કરવો. ॥ ૨૬ ॥