વાર્તા : ૧૪૨

0:000:00

જ્યાં સુધી મૂર્તિમાં નથી ચોંટ્યો ત્યાં સુધી દેહાભિમાન જાય નહિ, અને દેહાભિમાન હોય ત્યાં સુધી મહારાજ તથા મોટા પુરુષ ઓળખાય નહિ, માટે મૂર્તિમાં ચોંટવું. મહારાજની મૂર્તિમાં ચોંટવાની રુચિ થઈ અને બીજે પણ રુચિ થાય તેનાથી મહારાજની મૂર્તિમાં ચોંટાશે નહિ. જ્યારે એક મૂર્તિમાં જ ચોંટે અને મન ત્યાં જ અટકે ત્યારે જ મૂર્તિમાં રહેવાય. રેલગાડીઓ ઊપડે પણ પોતાનું સ્થાન આવે ત્યાં અટકે છે, તેમ મૂર્તિરૂપી સ્થાનમાં જઈને અટકે ત્યારે એક નિશાન થયું જાણવું. પછી બીજા કોઈનો ભાર ન રહે. હું જ્યારે સાધુ થવા આવ્યો ત્યારે મને એક ત્યાગીએ કહ્યું કે અહિ શું કરવા આવ્યા છો? સત્સંગમાં શું છે? પછી મેં જાણ્યું જે આ તો પાછા પડવાના થયા છે એમ જાણીને તેમના સંગનો ત્યાગ કર્યો. માટે આપણે કોઈ વાત કરે ને આપણે તેને ન ઓળખીએ તો પછી જ્યાં ત્યાં વળગી જવાય; એવું ગાફલપણું ન રાખવું. ઉત્તમ સ્થિતિવાળા ભગવાનના મુક્ત હોય તેવા ઓળખીને સમાગમ કરવો તો આગળ વધાય. સાધુ, પાળા, બ્રહ્મચારી, હરિભક્ત એ સર્વને સમજણ કામ કરે છે. તે જો સમજણ ન હોય તો સત્સંગમાંથી પડી જવાય. રાણપુરમાં એક સત્સંગી હતો તે કુસંગના જોગે સાવ ઊતરી ગયો અને જાતિભ્રષ્ટ થઈ ગયો. એવું સમજણ વિના થઈ જાય માટે આપણે સત્સંગમાં રહી મૂર્તિ સિદ્ધ કરવી હોય તેને બહુ વિચાર કરવો. સત્સંગના વ્યવહારમાં કોઠારુ, ભંડારુ અને મહંતાઈ કરવી એ સેવા છે ખરી, પણ તે તે ક્રિયા મૂર્તિ ભુલાવે છે કે નહિ તે વિચાર અધિકારીઓએ પણ રાખવો જોઈએ. આગળ મોટા મોટા નંદોએ મંદિરો કરવામાં સેવા કરી તથા અધિકાર વગેરે ભક્તિમાર્ગ ચલાવ્યો છે પણ મૂર્તિ ભૂલીને નહિ. અત્યારે એવા વિચારવાળા ને દિવ્યભાવવાળા થોડા જણાય છે. આગળ મોટા સંતો નવા મુમુક્ષુઓને એવી પણ ભલામણ કરતા કે કોઠારી પાસે રહીએ તો જે તે વસ્તુ આપે એટલે સ્વભાવ બગડે. ભંડારી પાસે રહીએ તો સારું સારું ખાવાનું આપી લલચાવી દે. મહંત પાસે રહીએ તો અધિકારમાં લેવરાવી દે. માટે એવા સંગનો ત્યાગ કરી મહારાજના સુખે સુખિયા હોય તેવાને જોઈને સમાગમ કરવો, તો આપણું અંગ વૃદ્ધિને પામે ને અખંડ મૂર્તિમાં જોડાવાય. ખપવાળાને મહારાજ સારો જોગ મેળવી દે છે, માટે કહ્યા એવા અધિકારીઓમાં લોભાવું નહિ. જે મૂર્તિના સુખે સુખિયા હોય તેના ભેળા રહેવું તો જ મૂર્તિ પમાશે. માટે વિચારીને ગુરુ કરવા તો સત્સંગ પાર પડે. 'હું ડાહ્યો છું', 'હું સમજું છું' એવું રહેતું હોય ત્યાં સુધી અજ્ઞાન જાણવું અને જ્ઞાન થાય ત્યારે તો હું ડાહ્યો છું એમ મટે. એટલે જેમ છે તેમ સમજાય પછી મોટા મુક્ત હોય તેને તુરત ઓળખી લે અને તેની સાથે જ હેત કરે. ॥ ૧૪૨ ॥