વાર્તા : ૮
પ્રાગજી દવે સાધારણ સંસ્કૃત ભણ્યા હતા; તો પણ શ્રીજીમહારાજે તેમની પાસે મોટા મોટા ગ્રંથની કથા કરાવી. માટે મહારાજ તો ચાહે તેમ કરે. કેટલાક સત્સંગમાં આવે કે તુરત સભામાં વાતો કરવા માંડે છે. તે જો વિદ્વાન બ્રાહ્મણ સભામાં આવીને બેઠા હોય તો તેના આગળ પણ વાતો કરે. ત્યારે જુઓને! એ પ્રથમ કેવો હતો ને કેવો થયો!! એ બધો મહારાજનો પ્રતાપ. એ તો મહારાજ તથા મોટા સાથે જીવ જોડી દે અને એમની કૃપા થાય તો એ કામ થાય. જેમ કોઈને છપૈયે જાવું હોય પણ તે ચાલતી રેલગાડીમાં ન બેસે અને પોતાની રેલ બાંધીને છપૈયે જવા ઇચ્છે, એ ઘણું કઠણ છે. પણ જો કોઈને રેલગાડીવાળો એમ કહે કે તમારે છપૈયે આવવું હોય તો ગાડીમાં બેસી જાઓ, પૈસા નથી લેવા. એ વખતે જો વિશ્વાસ આવે ને હેત હોય તો બેસી જવાય અને છપૈયે પહોંચાય; પણ જો વિશ્વાસ ન આવે અને ન બેસે તો ત્યાંનો ત્યાં જ રહે. તેમ મહારાજ તથા મોટાને વિશે હેત અને વિશ્વાસ હોય તો એમની કૃપા થાય અને કામ થાય; પણ હેત અને વિશ્વાસ ન હોય તો કંઈ કામ ન થાય. ॥ ૮॥