વાર્તા : ૪૮
કોઈ આંબો વાવીને ઉખેડી જુએ તો તે આંબો ન થાય. તેમ મોટા મુક્તના જોગ સમાગમે કરીને મહારાજનો નિશ્ચય કર્યો હોય તે પાછો કોઈના વચને ઉખેડીને આઘોપાછો ફરે તો તેનો નિશ્ચય ન રહે. અને એમ માને જે મારા જેવો બીજાને નિશ્ચય નથી તો પણ ઉખેડ્યો કહેવાય, માટે એમ ન કરવું. મૂર્તિ સંભારતાં વચમાં ઘાટ સંકલ્પ થાય તે તુરત ટાળી નાખે તો ઠીક રહે, પણ એમ ને એમ ઘાટ સંકલ્પ થયા કરે તો મૂર્તિથી છેટું પડે, જેમ હિસાબ કરવા બેસે ને ભેળું બીજું ય સંભાર્યા કરે તો હિસાબ ન મળે. તેમ બીજું સંભારે-બોલે તો મૂર્તિથી છેટું પડે. જેને નિશ્ચય ન હોય તેને તો જ્યાં ત્યાં દહાડા કાઢવાના હોય તેને મૂર્તિનું સુખ ક્યાંથી મળે!
જીવને મહારાજની પ્રાપ્તિ થવી તે બહુ જ દુર્લભ છે. વર્તમાનકાળે એ પ્રાપ્તિ બાપાશ્રીએ દયા કરી સુગમ કરી અનેકને સુખિયા કર્યા તે આપણે જોયું. અત્યારે બીજા ગમે તેટલું ડહાપણ કરે ને કામ કરે પણ બાપાશ્રીએ જે કામ કર્યાં તેવાં કોઈથી થઈ શકે એવું નથી. એમણે તો નકરી મૂર્તિના સુખની જ વાતો કરી છે. પોતે તો ઐશ્વર્ય સંતાડી સંતાડીને જ વર્તતા, પણ જો એમનું ઐશ્વર્ય જણાવ્યું હોત તો અક્ષર પર્યંત કોઈ તેમની નજરમાં આવે તેવું ક્યાં હતું? તેમ એકાંતિક, પરમ એકાંતિકનું પણ એવું જ. એમને તો મહારાજ અને અનાદિમુક્ત એ બે જ વસ્તુ હતી, તેથી બીજા કોઈ નજરમાં ક્યાંથી આવે? આવા મોટા જાણે તો મહિમા બહુ સમજાય. જુઓ તો ખરા! જેને એક મહારાજ જ છે, બીજું કાંઈ છે જ નહિ. તેનું જાણપણું કેટલું! તો મૂર્તિ જેટલું જ. જો આ વિચાર કરો તો દિવાનું થઈ જવાય. પણ જેવો મહિમા તેવું સુખ. પાત્ર પણ તેવો થયો, પછી એ છલકાય નહિ. પોતાપણું રહે તેટલો સવિકલ્પ અને દિવાનું થવાય તેટલો સાધન દશામાં કહેવાય. પણ સિદ્ધ દશામાં તો જેમ છે તેમ જ દેખાય.
यद्गत्वा न निवर्तन्ते એ શ્લોક પ્રમાણે જે મૂર્તિના સુખમાં પહોંચ્યો તે પાછો ન વળે, પણ જો વળ્યો તો સુખમાં પહોંચ્યો નથી. એક હરિભક્ત હતો. તે મહારાજનાં દર્શન કરીને ઘેર ગયો. પછી તેની માને કહ્યું કે હું ભગવાનનાં દર્શન કરીને આવ્યો. ત્યારે તેની મા કહે તેં ભગવાનનાં દર્શન કર્યાં નથી. જો ભગવાનનાં દર્શન કર્યાં હોય તો પાછો કેમ આવે? માટે દર્શન તો કર્યાં પણ ઉપર ઉપરથી, જેવા છે તેવા ઓળખીને નહિ. તેમ જે મૂર્તિના સુખમાં પહોંચ્યો તે શું કરવા પાછો વળે? ન જ વળે. ॥ ૪૮ ॥