વાર્તા : ૧૩૪

0:000:00

સભામાં વચનામૃતની કથા થતી હતી તેમાં એમ આવ્યું જે, જેણે લીંબુ ચૂસ્યાં હોય તેની દાઢ્યો અંબાઈ જાય છે, પછી તેનાથી ચણા ન ચવાય. તેમ ઇંદ્રિયો અંતઃકરણરૂપી દાઢ્યો તે ભગવાનના મહિમારૂપી ખટાઈએ કરીને અંબાઈ જાય તો વિષયરૂપી ચણા ન ચવાય. તે પરથી સ્વામીએ સંતોને પૂછ્યું કે એ લીંબુનો ચૂસનાર કોણ? ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજી કહે, મુક્ત. પછી સ્વામી બોલ્યા કે મુક્ત ન ચૂસે. ત્યારે પુરાણીએ પૂછ્યું કે, ત્યારે કોણ ચૂસે? પછી સ્વામી કહે, વિષયનો અભાવ કરવા સારુ ભક્ત ચૂસે છે, કારણ કે દેહભાવ છે તેથી મહારાજને મૂકીને વિષયમાં જોડાય છે; પણ જ્યારે દેહથી વિરક્ત થયો ત્યારે તેને તો વિષય, ઇંદ્રિયો, અંતઃકરણ છે જ નહિ અને સારા-નરસાની જેટલી વાત આવે તેટલી સમાગમમાં ઘટાડવી, કેમ કે સારા સમાગમથી સારો થાય છે ને નબળા સમાગમથી નબળો થાય છે. કપાસ તો એક જ છે પણ ખાદી, મલમલ, બાસ્તા એવો ભેદ સંગને લઈને થયો છે.


"ખાદી મલમલ બાસ્તા તીનુકા એક ગોત જીનકુ જેસા ગુરુ મિલા તીનકા એસા પોત"

માટે સમાગમે કરીને સારા-નરસાપણું થાય છે. ॥ ૧૩૪ ॥