વાર્તા : ૧૬૯
સભામાં લોયાનું 18મું વચનામૃત વંચાતું હતું. પછી સ્વામીશ્રી કહે જે, આમાં એમ આવ્યું જે ભગવાનને ભજનારા હોય તે જેવું આ લોકમાં ભગવાનનું સ્વરૂપ દેખાતું હોય તેવા રૂપને ભજે તે તેવા રૂપને પામે પણ મનુષ્યભાવ તો મૂકવાનો છે; કેમ કે મૂર્તિ દિવ્ય છે. માટે મહારાજમાં મનુષ્યભાવ મૂકીને દિવ્યભાવે ધ્યાન કરે તો મુક્ત થાય. જ્યારે ભગવાનને દિવ્ય તેજોમય મૂર્તિ જાણે ત્યારે પોતે પણ દિવ્ય તેજોમય થાય. મહારાજે કહ્યું છે કે નૃસિંહજીએ દૈત્યને મારીને પોતાનો દેહત્યાગ કર્યો. તે જેમ કાંટે કરીને કાંટો કાઢ્યો ને પછી બેયનો ત્યાગ કર્યો, તેમ આપણને જે દ્વારા મહારાજે આ સમજણ આપીને ઓળખાણ પડાવી એ મૂર્તિ સદાય દિવ્ય છે તેમ સમજાવીને તેના દેહનો કાંટો કાઢ્યો પછી પોતામાંથી જે મનુષ્યભાવરૂપ કાંટો ભક્તને હતો તે પણ ગયો એટલે બેય કાંટાનો ત્યાગ કર્યો. આ રીતે ભગવાન તો દિવ્ય હતા પણ તે દિવ્ય સ્વરૂપના યોગે ભજનારો પણ દિવ્ય થયો માટે દિવ્ય કહ્યો છે. વળી સારંગપુરના 17મા વચનામૃતમાં કહ્યું છે કે જેમ જેમ ભગવાનનું સમીપપણું થાય છે તેમ તેમ મહિમા ને અપારપણું વધતું જાય છે. તેમ એ મુક્તને પણ અપારપણું થાય. ॥ ૧૬૯ ॥