વાર્તા : ૯૦

0:000:00

મોક્ષનું કામ તથા વ્યવહારનું કામ બધું શબ્દોથી જ થાય છે, તેથી શબ્દે શબ્દે આગળ ચાલ્યા જવું. તે શબ્દ ક્યાંથી નીકળે છે? શું કરે છે? કરવાનું કરીને પાછો ક્યાં જાય છે? એમ જો શબ્દ ભેગા ચાલે, તો ખબર પડે. માછલાં પાણીની ધારા સામે ચાલે છે તો જ્યાંથી એ ધારા નીકળે છે ત્યાં જઈ શકે છે અને ત્યાં ટકે છે તેમ આપણે પણ કહેનારાના શબ્દ ભેગા ચાલીએ તો તે શબ્દ જ્યાં વિરામ પામે છે ત્યાં જઈ શકાય. તેમ મૂર્તિમાંથી જે શબ્દ નીકળે છે તે શબ્દ તો મૂર્તિમાં જઈને જ વિરામ પામે છે. એ રીતે ત્યાં સહેજે પહોંચી જવાય અને મૂર્તિનું સુખ આવે. માટે શબ્દ ભેગા ચાલવાની લટક મોટા પાસેથી શીખી લેવી.

આપણે બાપાશ્રી જેવા મોટા મુક્તને દેખ્યા છે - ઓળખ્યા છે તો ખબર પડે છે, પણ જેણે જોયા ન હોય તે શું જાણે? આ વાતની ને આ સ્થિતિની મહારાજરૂપ હોય તેને જ પૂરી ખબર પડે. એવા મોટાનો પ્રત્યક્ષ જોગ મળ્યો છે તેને તો સદાય એવો મહામંત્ર જપવો જોઈએ કે મને મહારાજે મૂર્તિમાં રાખ્યો છે. હું બ્રહ્મરૂપ એવો મહારાજનો દાસ છું. હું મૂર્તિનો સુખભોક્તા છું એવું મનન કરતાં કરતાં ભગવાનનું દિવ્ય દર્શન થાય છે. પછી તે દર્શનના કરનારાને ભગવાનથી અણુમાત્ર છેટું રહેતું નથી. જે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવતા હોય, તે તો એમ જાણે જે અહીંથી બીજે બધે ય સુખ અને તેજ જાય છે. અને મૂર્તિમાંથી અખંડ સુખની ધારાઓ તથા તેજ છૂટ્યા કરે છે, તેથી મૂર્તિમાં રહેલા મુક્ત તો મૂર્તિના જાણપણે અને સુખભોક્તાપણે સુખિયા છે. તેને બીજું કાંઈ ખોળવાનું કે પામવાનું નથી, કેમ કે એને તો સદાય મૂર્તિના સુખનો આનંદ છે. ॥ ૯૦ ॥