વાર્તા : ૧૪૦

0:000:00

મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત વંચાતું હતું પછી સ્વામીશ્રીએ પૂછ્યું જે આમાં મૂર્તિ ઘનશ્યામ કહી છે ને તેજ શ્વેત કહ્યું છે તે કેમ સમજવું? ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજીએ કહ્યું જે બાપાશ્રીએ એક વાર વાત કરી હતી કે તેજની ઘાટ્યપ છે તેથી મૂર્તિ શ્યામ જણાય છે. પાણી ઝાઝું હોય તો શ્યામ જણાય છે તેમ મહારાજના તેજની બહુ ઘાટ્યપને લીધે મૂર્તિ શ્યામ જણાય છે. પછી સ્વામી બોલ્યા કે વાદળાં શ્યામ જણાય છે પણ કેવાં સુંદર લાગે છે? તેમ મૂર્તિ એવી જ મનોહર છે કે તે જનોનાં મન હરી લે છે. આકાશ શ્વેત છે પણ ઘાટ્યપને લીધે શ્યામ જણાય છે. મૂર્તિ એ રીતે ઘનશ્યામ છે. પછી પુરાણી કહે બાપાશ્રીનો ઉત્તર અને આ ઉત્તર બેય એક જ છે. પછી એમ પૂછ્યું કે શ્રુતિમાં કહ્યું છે કે મૂર્તિ વૃક્ષની પેઠે સ્થિર રહી છે; તે જોતાં તો હાલતી ચાલતી ન હોવી જોઈએ. મહારાજે આ વચનામૃતમાં કહ્યું કે મૂર્તિ ક્યારેક હરતીફરતી અને ક્યારેક બેઠી ઊભી જણાય છે તે કેમ સમજવું? ત્યારે સ્વામી બોલ્યા કે એક સ્થળે અક્ષરધામમાં મહારાજ વૃક્ષસમ છે તે તો સાધન દશાવાળાને સમજાવવા માટે છે અને સિદ્ધદશાવાળાને તો મહારાજ બોલે છે, ચાલે છે તો પણ જેમ છે તેમના તેમ છે. મુક્તને તો મહારાજના જાણપણે જાણપણું; જુદું નહિ. તેને તો જેમ મહારાજની ઇચ્છા હોય તેમ દેખાડે પણ આમ જ મહારાજ રહે એવું નહિ. એને તો સદાય દિવ્ય મૂર્તિ છે અને શ્રુતિમાં વર્ણન છે તે તો સાધનદશાવાળાને ખેંચવા વાસ્તે સ્થિરભાવનું વર્ણન કરેલ છે. ॥ ૧૪૦ ॥