વાર્તા : ૩૧

0:000:00

જીવને વાસના ટાળવી એ બહુ કઠણ કામ છે પણ મહારાજની સાથે જીવ જોડે તો વાસના તૂટે. પછી એમ જાણે જે મહારાજ વિના કાંઈ છે જ નહિ. ત્યારે વાસના નિર્મૂળ થઈ જાણવી. મહારાજ વિના બીજે જેટલી જેટલી સારપ્ય રહે છે અને મૂર્તિ વિના બીજું કાંઈક છે અથવા બીજે પણ સુખ છે એવું મનાય છે એ જ વાસના છે. અને જેને જેટલો મૂર્તિના સુખનો અનુભવ થયો તેને તેટલી બીજેથી સારપ્ય ટળે પણ તે વિના ઉપરથી જોગ કરે તો સારપ્ય ન જાય. જેમ ચિતારા મૂર્તિઓ કરે છે તે મૂર્તિ તદાકાર દેખે છે, વર્ણન કરે છે પણ વાસના ટળતી નથી. એ તો જ્યારે મૂર્તિના સુખમાં જોડાય ત્યારે વાસના ટળે, પણ મૂર્તિનું ચિંતવન કર્યા વિના તથા મોટાને રાજી કર્યા વિના કલ્યાણ થતું નથી. પછી એક ચિતારાની વાત કરી જે તેણે મૂર્તિઓ ચીતરીને પૈસા ભેગા કર્યા, પછી એ પૈસાની વાસનાએ ધામમાં જવાણું નહિ; માટે જાળવવું. ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા પણ મૃગલા સાથે હેત થયું તેણે કરીને તેમને ત્રણ જન્મ ધરવા પડ્યા. માટે મૂર્તિ વિના બીજે હેત ન રાખવું. નિર્વાસનિક થઈ જવું. સમુદ્ર રત્નાકર કહેવાય છે, પણ વહાણના ખેવટિયા લોકો પાસે ખાવા માગે છે. એ ભિખારી મટતા નથી. તેનું કારણ ઉપર ઉપર ફરે છે. જો ઊંડા ઊતરે તો રત્ન મળે અને લાખોપતિ કરોડપતિ થાય. તેમ મૂર્તિઓ બહુ સારી કરે પણ મૂર્તિના સુખમાં ઊંડા ન ઊતરે તો ભિખારીપણું ન મટે; એવા ને એવા રહે, માટે બહુ જ વિચારવું. એક બાવાને અડધા રૂપિયામાં વાસના રહેલ તે પાપે સર્પ થયો હતો. તે વાત કરીને કહ્યું જે ભૂત, પ્રેત અને વૈતાળ, ગરબડિયામાં ગડબડે. માટે વાસનાથી બહુ જ બીવું. વાસના ટાળવી છે, ટાળવી છે એમ વિચાર કરતાં કરતાં મરી જાય તો ય ભૂત થવું પડે છે. જેમ ભરતજીને મૃગનું ચિંતવન કરતાં કરતાં દેહ પડ્યો તો મૃગરૂપ થઈ ગયા, તેમ જેનું ચિંતવન રહે તે રૂપ થવાય; માટે મૂર્તિ વિના બીજું ચિંતવન ન કરવું; નહિ તો જન્મ ધરવા પડે. ॥ ૩૧ ॥