વાર્તા : ૧૬૨

0:000:00

જેમ ધનવાનને ધનનો કેફ રહે છે તેમ આપણે મૂર્તિનો કેફ રાખવો. કેટલાક કહે છે તમે મૂર્તિની જ વાતો કરો છો પણ તેને આ વાત હાથ નથી આવી તેથી એમ કહે છે. એ તો સૌ સૌના વર્ગ નોખા છે. જેમ એકડિયામાં એકડિયાના ભણાવનાર નોખા, અને બીજી, ત્રીજી ને સાતમી ચોપડીઓવાળાના માસ્તર નોખા ને ભણતર નોખું. તેમ આવું ભણનારને આ વાત સાચી ને એકડિયાવાળાને એકડિયાની સાચી, કેમ કે ભણાવનારમાં આ બધી વાત રહી છે. જેમ ચાલોચાલ, એકાંતિક, પરમ એકાંતિક, અનાદિ એ સૌ સૌના સિદ્ધાંતમાં સૌને ઠીક પડે તેમ જીવન મુક્ત, વિદેહી ને કૈવલ્ય એવી સ્થિતિ પણ સમજવાની. એ સમજાય તો આ ભણતર કયા વર્ગનું છે તે સમજાય. મહારાજે તો મૂર્તિમાં જોડવા માટે જ બધી રચના કરી છે અને બ્રહ્મરૂપ થવું એટલે બ્રહ્મ કહેતાં મૂર્તિનું તેજ તે રૂપ થવું, એ રસ્તો છે. પછી તો મૂર્તિની સત્તાએ ખેંચાઈ જાય છે. તે જેમ સૂર્ય આઠ મહિના સુધી કિરણો વડે જળ ખેંચે છે અને ચાર મહિના વૃષ્ટિ કરે છે તેમ જીવને મહારાજની મૂર્તિ સુધી જવાની સત્તા નથી, તો પોતાના તેજની કિરણો વડે મહારાજ તેને ખેંચી લે છે ત્યારે એ સાકાર થઈ જાય છે. પછી તો મહારાજ સ્વામી અને ચૈતન્ય સાકારરૂપે થયો એ સેવક. એમાં ખેંચવાની શક્તિ મહારાજની. આ વાત સમજે તો મહારાજનો મહિમા વધુ સમજાય અને જેટલો મહિમા સમજાય તેટલું હેત થાય. પછી તો નાસ્તિકપણું તથા કામ ક્રોધાદિક સર્વે દોષ ટળી જાય છે, અને ત્યારે જ મહારાજ સર્વત્ર રહ્યા છે તથા સર્વમાં કારણપણે રહ્યા છે તેની ખબર પડે છે. મહારાજે જગન્નાથપુરીનું દૃષ્ટાત દઈને કહ્યું છે જે તેમાં રહીને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ જોતાં. એવી વાર્તા મૂર્તિઓનો તથા સંતનો મહિમા સમજાવી નાસ્તિકભાવ ટળાવવા માટે કરી છે. ॥ ૧૬૨ ॥