વાર્તા : ૩૪
કોઈ સમુદ્રમાં નહાવા ઊતરે તે વહાણ સાથે દોરડું બાંધીને ઊતરે તો નાહીને પાછો આવે, પણ જો દોરડું છૂટી જાય તો તણાઈ જાય અને મોટા મગરમચ્છ ખાઈ જાય. તેમ ભવસાગર પાર ઊતરવા ખરા ખબડદાર થઈ શ્રીજીમહારાજની મૂર્તિરૂપ દોરડું ઝાલી રાખવું, નહિતર કામ, ક્રોધ, લોભ, માન આદિ મગરમચ્છ ખાઈ જાય. માટે મૂર્તિના સુખમાં જોડાવું. અને ધ્યાન કરતાં ઉપશમ થાય તો મૂર્તિ ભુલાય નહિ ને સુખ આવે. માટે બરાબર સુખભોક્તા થવું તે જ આપણે કરવાનું છે.
મહારાજનો મહિમા જેમ જેમ સમજાતો જાય તેમ તેમ મૂર્તિ વધુ સાંભરે. એ મહિમા પ્રાપ્ત થવા મૂર્તિમાં આપોપું કરવું. મૂર્તિમાં નિમગ્ન થવાથી સર્વે પ્રાપ્તિ થઈ જાય; કાંઈ બાકી ન રહે. જેમ ચંદ્રમાથી સર્વે ઔષધીઓનું પોષણ થાય છે. બાજરી, ઘઉં આદિમાં રસ ચડે છે, અને સૂર્ય તેને પકવે છે, પણ જો વાદળાં આડાં આવે તો તેવો દાણો ન પાકે. તેમ મહારાજની કૃપા વડે જીવમાં મુક્તતા આવે છે; પણ વચમાં છળકપટ, દગા, પ્રપંચરૂપ વાદળાં ન હોય તો મુક્તતા આવે, નહિ તો ન આવે. આ સિદ્ધાંત વાત છે. ॥ ૩૪ ॥