વાર્તા : ૪૧
અધો ઉર્ધ્વ પ્રમાણ રહિત તેજના સમૂહને મધ્યે મહારાજની મૂર્તિ છે તે મૂર્તિમાં મહારાજે મને કૃપા કરી રાખ્યો છે, એમ જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે જ સુખિયો કહેવાય. મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત છે તેને મૂર્તિના જેવું જ જાણપણું હોય છે. તે જાણપણું શું તો એક સુખ જ. તેને તો એક મહારાજ જ દાતા અને પોતે સુખના ભોક્તા, એટલું સ્વામીસેવકપણું થયું. એક મહારાજ વિના બીજો કોઈ ધણી ન મળે. કલ્યાણ કરવું તે પણ એ ધણીનું જ કામ. પોતાને તો દિવ્ય સુખમાં પૂર્ણ થવાતું જ નથી. આમ સમજાય તો કાંઈ બાકી રહે નહિ. આ તો ઉપર ઉપરનો સત્સંગ કરે, પણ મોટા મુક્તને રાજી કરવાનું તાન નહિ તેને શું હાથ આવે? જો મોટા મુક્ત સાથે હેત રાખે તો તુરત કામ થાય; માટે વિચારીને સમાગમ કરવો. મહારાજે બુદ્ધિવાળાને વખાણ્યા છે, કેમ કે તે આવી વાત સમજી શકે. જેમ પાકશાસ્ત્રના પટારા ભર્યા હોય તે જમવા ટાણે આગળ મૂકે અને તેમાંથી પુસ્તકો કાઢી કાઢીને વાંચ્યા કરે તો પણ પેટ ભરાય નહિ. એ તો જ્યારે રસોઈ કરીને જમે ત્યારે જ ભૂખ ભાગે. તેમ સમજ્યા વિના કથા-વાર્તા પાંચ વખત કરે ને આખો દિવસ વાંચ્યા કરે તે નવરો જ ન રહે, પણ જો મૂર્તિના સુખમાં ન ઊતરે તો કથાની કાંઈ પણ અસર તેનામાં આવી ન કહેવાય. તે તો પાકશાસ્ત્રના પટારા ભરી રાખ્યા જેવું થયું, પણ જમ્યા વિના એ શું કામમાં આવ્યા! ॥ ૪૧ ॥