વાર્તા : ૧૫૯

0:000:00

મહાદેવભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, ઇંદ્રિયો અંતઃકરણરૂપ માયા અભક્તને દુઃખ દે છે અને ભક્તને તો સુખ પમાડે છે એ શું? ત્યારે સ્વામીશ્રી કહે જે દેહ અને ઇંદ્રિયોનો ગુણ ન લેવો, એને વિષે શત્રુભાવ રાખવો એમ મહારાજે પણ લખ્યું છે. જેને દેવ અને ઇંદ્રિયોના દેવતા છે તે તો હજી સાધનવાળા કહેવાય. મુક્તના દેવ તો મહારાજ છે; એની તો વાત જ નોખી છે. આ પ્રશ્ન સાધનદશાવાળાને સમજવાનો છે, પણ જેને મહારાજ આધાર થયા તેના દેવ બીજા કોણ? એના દેવ તો મહારાજ. પછી પૂછ્યું જે દેહમાં નેત્રના સૂર્ય આદિ દેવ આધારપણે રહ્યા છે, તે સત્તારૂપે રહ્યા છે કે સાક્ષાત્? ત્યારે સ્વામીશ્રી કહે કે સત્તા ને દેવતામાં જુદાપણું નહિ એ બધું ભેગું. ત્યારે શંકા કરી જે પુણ્યવાળા જે જે શુભ કાર્ય કરે છે તેનો તેને ભાગ આવે કે કેમ? ત્યારે સ્વામીશ્રી કહે જે, જો પુણ્યના ભાગિયા દેવ થતા હોય તો પાપના ભાગિયા પણ થાય. કેમ જે, આ લોકમાં પુણ્ય કરતાં પાપ ઘણાં થાય છે, માટે પાપ કે પુણ્ય એ કાંઈ એને લાગતું નથી, કેમ કે કર્તાપણું એ કોઈને વિષે નથી. જેમ આપણે આ બારણામાંથી ચાલ્યા જઈએ અને ભીંતમાંથી ન જવાય ત્યારે શું ભીંતનું કલ્યાણ ન થાય ને બારણાનું જ થાય? એમ ઇંદ્રિયોના ગોલક એવા છે. ચૈતન્ય વિના અને ચૈતન્યના આધાર વિના કાંઈ કાર્ય જ ન થાય. એ આધાર અન્વય વ્યતિરેક છે કે કેમ, એ રીત જણાવી. ભગવાનને પામવાની રીત તો અનંત પ્રકારની છે, તેમાં પણ આ રીત સમજવી, જે ગમે તેવાં સુખ-દુઃખ આવે તેમાં મહારાજ કહે અમારા વિના એ સુખ-દુઃખનો દેનારો બીજાને ન જાણે એવો વિશ્વાસ આવે ત્યારે બધું સમજાય. જે કાંઈ છે તે તે આપણને શીખવવા માટે છે એમ સમજવું, પણ જોગ કરવામાં અને મહિમા જાણવામાં અટકવું નહિ; કેમ કે મહારાજના મહિમાનો કોઈ પાર પામતું નથી. સર્વોપરી મહારાજ છે એ તો શબ્દ થયો પણ એનો ઉત્તર કરો. ત્યારે મહાદેવભાઈ કહે મને આવું સમજતાં ન આવડે. ત્યારે સ્વામી કહે શબ્દે ન અટકવું, અર્થ ને ઉત્તર બે નોખા છે એમ કહીને બોલ્યા જે અર્થ તે વસ્તુ જે મહારાજ ને મુક્ત તે સદાય ભેળા રહે અને ઉત્તરમાં તો મુખેથી કહેવાનું જ પણ રહેવાનું તો થાય ત્યારે. ત્યાં સુધી ઉત્તર, અર્થ નહિ. માટે જે જે શબ્દ કહેવો ત્યારે અર્થમાં નજર પહોંચાડવી, ઉત્તરમાં અટકવું નહિ. જેમ આપણે 'ઘનશ્યામ મહારાજ' બોલ્યા તે મૂર્તિ તદાકાર થાય તો અર્થ, ને અમથા કહીએ તો ઉત્તર. તેમ પોતે મુક્ત થઈને મૂર્તિ ભેળો રહે તે અર્થ. જેમ અમારે કરાંચીએ આવવું હોય ને રેલે બેઠા પછી બીજા કહેશે એ કરાંચી ગયા; તો પણ તે ઉત્તર, ને કરાંચી બેઠા હોઈએ તે અર્થ, એમ સમજણના ભેદ છે. એ સ્થિતિવાળાના વચનથી જ ખબર પડે. એક હરિભક્તની દીકરી દેહ મૂકી ગયેલ તેના વાંસે થાળ કરવાનો કાગળ કોઠારમાં આવેલ હતો તેમાં તે બાઈ ધામમાં ગયાં છે એમ લખેલ નહિ પણ એ 'ધામમાં આવ્યાં' એ લખ્યું હતું. એ સમજણ અર્થવાળી. ॥ ૧૫૯ ॥