વાર્તા : ૧૬૦
સ્વામીશ્રી કહે કે હું ધોળકે હતો ત્યાં બાપાશ્રીએ મને દિવ્યભાવ સમજાવ્યો. ત્યારથી માંહેલા-બહારનાં બંધન છૂટ્યાં ને હેત થયું. પછી મહારાજનાં અલૌકિક દર્શન થયાં ત્યારથી તો કેવળ મૂર્તિ જ ગમે છે. બીજો વ્યવહાર સારો ન લાગે. મોટા મુક્ત અને મહારાજની કૃપાએ આવાં કામ થાય છે. સદ્. શ્રી હરિનારાયણદાસજી સ્વામી જેવા મોટાની તો વાત જ જુદી. તેમને તો મૂર્તિ વિના બીજું કાંઈ હતું જ નહિ. સ્વામી કહે, એક વાર મને મહંતાઈ લેવાનું કહેવામાં આવ્યું કે વૃંદાવનદાસજી! તમે મહંતાઈ લો. ત્યારે મેં કહ્યું હમણાં તો મારા દેહનું ય ઠેકાણું રહેતું નથી. ત્યારે કારભારી હરિભાઈએ કહ્યું કે હમણાં એવા થઈ ગયા છે ખરા એટલે એ વાત રહી. વળી બીજી વાર આચાર્ય મહારાજશ્રીએ પોતાની પાસે તેડાવીને મહંતાઈ કરવા કહ્યું. ત્યારે મેં એવી પ્રાર્થના કરી કે, મહારાજ! તમે ભગવાનના પુત્ર છો તે તમારું વચન લોપાય નહિ, પણ મને મૂંઝવણ થાય તેથી હાથ જોડું છું. તમે રાજી રહો ને બીજાને સોંપો તો હું રાજી. એ સમે મહારાજની કૃપાએ આંખોમાં હેતનાં આંસુ આવી ગયાં એ જોઈ આચાર્ય મહારાજશ્રી બહુ રાજી થયા અને આપણું પણ કામ થયું. એમ મહારાજ અને મોટાના રાજીપાથી કામ થાય છે. મારા પર બાપાશ્રી રાજી થયા એ કૃપાની વાત હું જાણું છું ને મહારાજ જાણે, બીજાથી એ જણાય નહિ. આટલું આશીર્વાદથી થાય છે. હવે કોઈ બિચારા મોટાને ઓળખી ન શકતા હોય ત્યારે હું એમ જાણું જે એ બિચારાને મારી પેઠે હશે, પણ કોઈનો અવગુણ ન આવે. એ બધી વાત મહારાજના હાથમાં છે અને એ સૌને જાણે છે. એક ગામમાં કોઈ ડોશી હરિભક્ત હતાં તેની ક્રિયામાં ઠીક જેવું ન જણાય. તે ઘરમાં છોકરાને પણ ગમે નહિ એવું, પણ તેનું હૃદય ભોળું તેથી તેને બીજે ને ત્રીજે દિવસે મહારાજનાં દર્શન થાય. એવાની વાતો મહારાજ જ જાણે. ॥ ૧૬૦ ॥