વાર્તા : ૧૭૨

0:000:00

આપણે મહારાજ મળ્યા પછી એકલા ન ચાલવું, કેમ કે તેમાં વિઘ્ન છે. મહારાજ ભેળા તો અનંતકોટી મુક્ત હોય તેથી એ મૂર્તિ સાથે રાખવી તો કાંઈ બીક રહે નહિ. પછી કેળાની પ્રસાદી વહેંચીને બોલ્યા જે જુઓને! કેળામાં ગળપણ રહેલું છે તેમ મહારાજની મૂર્તિમાં તેજ રહેલું છે. પછી અધ્ધર વચન ઝીલવા વિષે કહ્યું કે મહારાજના મુખમાંથી વચન નીકળે અને મહારાજને શ્રોત્રે સાંભળે તે અધ્ધર વચન ઝીલ્યું કહેવાય. જેમ છીપ શ્વાંતના બિંદુ અધ્ધર ઝીલે છે તેનાં સાચાં મોતી થાય છે તેમ આવી વાત અધ્ધરથી ઝીલે તો સાક્ષાત્કાર થાય. મહારાજે કહ્યું છે કે ક્યારે કરવા માંડ્યું ને ન થયું? જુઓને! આપણે આ કરવા માંડ્યું તો થયું, તે શું? તો મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટે છે તે દેખાણું. પ્રથમ ના કહેતા હતા તે પણ સત્ય થયું. બહેચરભાઈ કહેતા કે તેજે સહિત મૂર્તિ દેખાય ત્યારે પૂરું સુખ કહેવાય તે હવે બરોબર થયું. માટે કરવા માંડે તો થાય પણ આળસ રાખે તો ન બને. સ્વામી કહે બાપાશ્રીએ મને કહ્યું જે, મહારાજના ચરણકમળના જમણા અંગુઠામાંથી તેજ છૂટે છે. તેનો શબ્દ કેવો થાય છે? તો પૃથ્વી જેવડી ઝાલર હોય, મેરુ જેવડો ડંકો હોય ને વૈરાટ જેવા અનંત વગાડનારા હોય તેવો શબ્દ શ્રી પુરુષોત્તમનારાયણના જમણા ચરણાર્વિંદમાંથી નીકળે છે. પછી મેં કહ્યું જે, એ કેમ ખમાય? ત્યારે બાપાશ્રી કહે કે એવો શબ્દ સાંભળે ત્યારે તે સાંભળનારો પણ તેવો મોટો પાત્ર થયો. તેને તો જેમ આપણે અહિ આરતી થાય છે ને શબ્દ થાય છે તેવો શબ્દ લાગે, માટે પાત્ર પ્રમાણે દેખાય ને પછી ખમાય. ॥ ૧૭૨ ॥