વાર્તા : ૧૫૭

0:000:00

લોકમાં કહેવાય છે કે બાળા ભોળાના તો ભગવાન પહેલા છે તે ખરું છે. તે ઉપર વાત કરી જે એક હરિભક્તને મંદિરમાં આવવા-જવાનું બહુ ઓછું હતું, પણ અંતરમાં હેત બહુ હોવાથી મહારાજ તેને વારે વારે દર્શન આપતા. શ્રાવણ માસમાં એક દિવસ અડધી રાત્રે એ મંદિરમાં આવ્યા અને કહે ઊઠો, સૌ દર્શન કરો; મહારાજ આવ્યા. પણ બીજા ન દેખે; એક એને જ દેખાય. તેથી સૌને કહે જે હાથ જોડો, શું જોઈ રહ્યા છો? તે દિવસે અમે પણ ત્યાં હતા. બીજાને તો એ વાત સમજાણી નહિ અને કેટલાક તો વઢવા લાગ્યા કે રાતના ઠાકોરજીને તથા સંતોને જગાડ્યા, પણ એ વખતે એમ વાત થઈ જે, તેને મહારાજે કારતક મહિને ધામમાં તેડી જવાનું કહ્યું તેથી તે હરિભક્તના સંબંધી અને બીજા કહે જે જો એ કારતક મહિને ધામમાં જાય તો સાચું. પછી તેને કારતક મહિને એક-બે દિવસ સહેજ તાવ આવ્યો ને મહારાજ દેહ મુકાવીને તેડી ગયા ત્યારે સૌએ જાણ્યું જે વાત ખરી થઈ. એવા હોય તે ભોળા કહેવાય. તેને નહાવા-ધોવાનું, માળા, માનસી પૂજા વગેરે ઉપરથી તો બહુ જણાતું નહોતું પણ માંહી હેત ઘણું, તેથી મહારાજ તેડી ગયા. માટે હેત બરોબર રાખવું. પછી મહાદેવભાઈએ પૂછ્યું જે એને નિશ્ચય બરાબર હશે? ત્યારે સ્વામી કહે, નિશ્ચય તો જાડી બુદ્ધિવાળાને તુરત થઈ જાય. ઝીણી બુદ્ધિવાળાને એમ ન સમજાય, માટે એવી બુદ્ધિવાળા કરતાં તો ઓલ્યો સારો. બીજાને તો પોતાના ઠરાવે મનાય પણ મહારાજ કે મોટા કહે ત્યારે ન મનાય. આવી વાતો પણ મહારાજ અને મુક્ત સર્વત્ર છે એમ મનાય ત્યારે સમજાય. મહારાજ કહે આટલી વાત સમજાય ત્યારે કામ ક્રોધાદિક સહેજે જીતાઈ જાય. એવી વાતનો મર્મ સમજાણો હોય તો આનંદ વર્તે. ॥ ૧૫૭ ॥