વાર્તા : ૫૮

0:000:00

વચનામૃતમાં એમ આવ્યું જે માંહી સંતના શબ્દ રહ્યા છે તેને બહારના સંતના શબ્દે કરીને પોષણ થાય છે. એમ કરતાં કરતાં સિદ્ધ થાય, ત્યારે બહારનો ભાવ ટળ્યો, એટલે પોતે માંહીલા સંતરૂપ થયો ત્યારે જ સુખિયો થયો, કેમ કે સંત તો મૂર્તિમાં છે, માટે બહારનો ભાવ ટળ્યો ત્યારે પોતે સિદ્ધ થયો, કહેતાં માંહીલા સંતરૂપ એટલે મૂર્તિરૂપ થયો અને મૂર્તિનો સુખભોક્તા થયો.

જેની પાસે ભગવાન હોય તે કલ્યાણ કરે, પણ જેની પાસે ભગવાન ન હોય તે શું કલ્યાણ કરે? એમ કહી બાવાના બે ચેલાની વાત કરી જે તેને ગાદીએ બેસાડવાનું થતું હતું ત્યારે મોટે ચેલે તકરાર કરી કે ગાદીનો હકદાર હું ગણાઉં! પછી ગામના માણસોએ એ વાતનો નિર્ણય કરવા તે બેયને એક એક નાળિયેર આપીને કહ્યું કે કોઈ ન હોય ત્યાં આ વધેરી આવો. એ વખતે મોટો ચેલો જે ભગવાનને અંતર્યામી જાણતો નહોતો તે તો થોડેક છેટે જઈને કોઈ માણસ ન દેખે ત્યાં વધેરી આવ્યો. નાનો ચેલો જે એમ જાણતો હતો કે ભગવાન સર્વ ઠેકાણે છે અને અંતર્યામી થકા સર્વમાં છે તેણે તો ભગવાન વિના ક્યાંય ખાલી જગ્યા દેખી નહિ તેથી નાળિયેર લઈ પાછો આવ્યો. ત્યારે ગામના માણસોએ તથા તેના ગુરુએ જાણ્યું કે જેને મતે ભગવાન નથી તે બીજાનું શું ભલું કરશે? અને આને તો ભગવાન છે તેથી કેટલાયના મોક્ષ કરશે; માટે આને ગાદીએ બેસાડો. પછી એને જ ગાદી આપી, અને મોટો ચેલો જે બહુ બોલતો હતો તેને તેના ગુરુએ નાસ્તિક કહ્યો અને ગાદી આપી નહિ. આમ જેને મતે ભગવાન ન હોય તેની કાંઈ કિંમત જ નહિ. માટે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિનું નિશાન રાખવું.

મહારાજે આપણને પોતાની મૂર્તિ ભેળા રાખ્યા છે, પછી બીજો ઘાટ સંકલ્પ કેમ થાય? મહારાજે કહ્યું છે કે જ્યાં સુધી વર્ણનું અને આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી. ત્યાગી અને ગૃહસ્થ એ કાંઈ હાથ, પગ, નાક, કાન આદિથી નથી. એમાં તો અહંપણાની ભાવના છે તે ન રાખવી તો મહારાજ રાજી થાય. ॥ ૫૮ ॥