વાર્તા : ૧૫૫
ઇંદ્રે અભિમાન ધર્યું તો કાર્ય સિદ્ધ ન કરી શક્યો. પછી ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ! મારે ઇંદ્રાસન નથી જોઈતું. ઇંદ્રાસનથી મને અભિમાન આવ્યું તેથી ખોટ બહુ આવી. હવે મને વ્રજમાં ગોવાળને ઘેર જન્મ આપો કેમ જે, શ્રીકૃષ્ણ ભગવાન ત્યાં સખા અને મિત્ર ભાવે વર્તે છે તેવો મોટો લાભ છે. વળી બ્રહ્મા તો ચૌદ લોકનો ધણી તો પણ તેણે વ્રજમાં વૃક્ષવેલીનો અવતાર માગ્યો તે બ્રહ્મા તો શતધૃતિ કહેવાય, એટલે સો આપત્કાળે પણ ધીરજ ડગે નહિ એવું એનું અંગ, પણ જ્યારે જાણ્યું ત્યારે આમ માગ્યું. માટે મહિમા જાણ્યા વિના સમજાય નહિ. આપણે તો જ્યારે જ્યારે આવી વાતો થાય ત્યારે સિદ્ધાંતમાં મહારાજ જ લાવવા. જેમ નહેર ખોદીને પાણી લાવવાનું કરે તે પાણી લાવે ત્યારે શાંતિ પામે. તેમ આપણે મહારાજની મૂર્તિના સુખનો રસ લેવો. આપણને મનુષ્ય દેહ મળ્યો છે તેમાં બુદ્ધિવાનને બુદ્ધિનું ફળ ક્યું? તો અનંતકોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમનારાયણ તેમના સ્વરૂપમાં વૃત્તિ રાખવી તે. વૃત્તિ રાખનાર અને મૂર્તિ તો જુદી છે. એ રીતે વૃત્તિ રાખે તેને નેત્ર, શ્રોત્ર, ત્વચા આદિ ઇંદ્રિયોની વૃત્તિથી સુખ લેવાય તેટલો દેહભાવ. આપણે તો તે થકી વિલક્ષણ ચૈતન્યરૂપ છીએ. દેહભાવમાં તો નોખી નોખી વૃત્તિ રહે અને આમાં તો બધીએ એક વૃત્તિ થઈ જાય. માટે પહેલાં કહી એ માયિક વૃત્તિ અને પછી કહી તે દિવ્ય વૃત્તિ. એ થયું બુદ્ધિવાનની બુદ્ધિનું ફળ. આવું વિચારે નહિ ને મોટા કહેવાતા હોય તે મોટા તો કહેવાય, પણ વ્યવહારની કોરે મોટા. ભગવાનની કોરે મોટા તો તે જ કે જે સર્વ જગતને તૃણ સમાન જાણી એક મૂર્તિમાં જ જોડાય અને ત્યારે જ બુદ્ધિમાન કહેવાય. જુઓને! લાલા બાબુએ કેટલું દ્રવ્ય ધર્મમાં વાપર્યું હતું પણ ફક્ત સવા રૂપિયાની શીશી મહારાજ પાસે લાવ્યા તેનું ફળ કેટલું થયું! પોતાના સાત કરોડ રૂપિયાનું દાન કરી અભ્યાગતની ભિક્ષામાંથી પોતે જમતા એટલું કરેલું, તો ય મહારાજ કહે, એણે જેટલું કર્યું હોય તેટલું ભલે કર્યું, પણ આટલું લેખે આવ્યું. એમ કહી સંતોની નાસિકાએ અત્તર ર્ચચ્યું અને કહ્યું કે, 'બીજા ભેખ થાશે ધૂળધાણી, રહેશે તમારા મુખનું પાણી.' એમ સંતો પર પ્રસન્નતા જણાવી બોલ્યા જે, સાત કરોડના પુણ્યે કામ ન થયું અને આ સવા રૂપિયો લેખામાં આવ્યો. હવે એ સત્સંગમાં જન્મ ધરશે. તેમ આપણે પણ ઘણા ય જન્મ ધર્યા હશે પણ કલ્યાણને અર્થે બુદ્ધિ કામ ન આવી, નહિ તો શું રાજાના દેહમાં બુદ્ધિ નહિ હોય? હશે, પણ કલ્યાણના કામમાં ન આવી, માટે ગણાણી નહિ. તેમ આપણને આવો જોગ મળ્યો છે એટલે બુદ્ધિ કામમાં આવી છે, તેથી મહારાજની આજ્ઞા પળાય છે, અને જેટલી આજ્ઞા પાળે છે તેટલું આત્મસત્તાપણું કહેવાય. કેમ કે આજ્ઞા પળાવનાર વિના પળે એવી નથી. હરાયું ઢોર તેને ધણી સાચવે તો જ રહે, નહિ તો ન રહે. તેમ જીવે તો હરાયાવેડા, ચોરીયું અને અનીતિ જ કરી છે તેને શું ખબર પડે? જે આટલું બોલવું - આટલું ખાવું-જોવું! તે તો એના ધણી મહારાજ મળ્યા તેમણે પળાવ્યું તો પળાણું. નહિતર આગલા સ્વભાવ પ્રમાણે તો હરાયાવેડા કર્યા હોય તે બધા સાંભરી આવે એટલે આજ્ઞા ન પળે પણ ભગવાનને ભગવાન જાણ્યા એટલે આજ્ઞા પળે. આગલા ઠરાવ હોય ત્યાં સુધી મૂર્તિનું સુખ આવતું નથી. બહારના સંત અને માંહીલા સંત અને બહારનો કુસંગ અને માંહીલો કુસંગ તેમાં જેની પુષ્ટિ થાય તેનું પ્રધાનપણું થાય. માટે બહારના કુસંગથી છેટે રહેવું અને માંહીલા સંતનો ભેળીસારો રાખવો. જેને માંહીલો કુસંગ કાઢી નાખવો હોય તેને મહારાજ અને મુક્ત વિના બીજું કાંઈ રાખવું નહિ. આપણને મહારાજ મળ્યા તે દિવસનું બધું ય કાઢી તો નાખ્યું છે પણ એ વાતનું આપણે મનન નથી કર્યું તેથી સમજાતું નથી. જુઓને! મહારાજની કેટલી દયા! તે સમજાવી સમજાવીને સત્સંગી કરે છે અને કહે છે કે આ સત્સંગ બધો દિવ્યરૂપ છે. અમે જે જે કર્યું તે લીલારૂપ છે. આ બધું સંભારે તેનાં કલ્યાણ થાય છે. આવાં કારખાનાં ન ઉપાડ્યાં હોય તો આવું સુગમ ક્યાંથી થાય? ન જ થાય. સત્સંગ બધો ય દિવ્ય છે પણ જેને વિશ્વાસ ન હોય અને દેહાભિમાન હોય તે દિવ્ય ન માને. એ એના સ્થાનનો ફેર છે તેથી એ વાત સમજાતી નથી. એ માટે મહારાજે આટલી બધી મહેનત કરી છે, અને હજી પણ મોટા મોટા મુક્તો રાખ્યા છે તે સત્સંગનું પોષણ કર્યા કરે છે, તેથી સત્સંગ કેવો શોભી રહ્યો છે! તે બધી મહારાજની દયા. આવા મહારાજના સિદ્ધાંત સૌને કબૂલ કરવા પડશે, નહિ મનાય ત્યાં સુધી દુઃખ છે. આ લોકમાં કોઈના ઠરાવ ભેગા નહિ ચાલે. લીલા સોનીને મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી તેડવા આવ્યા પણ મહારાજ ભેળો ન ચાલ્યો અને તેનાં સગાંવહાલાં ભૂત થયાં હતાં એ બધાં એ ભેગાં થઈને લીલાને ખેંચી લીધો. પછી એ મહારાજે દયા કરી હશે પણ આવું જોતાં કોઈ સાજ ભેળો નહિ આવે. મહારાજ તો કૃપાએ કલ્યાણ કરે છે ને વળી કઠણતાએ વાપરે છે. એમાં બેય છે. પશુને લઈ જાય અને બીજા રહી જાય તે તો 'કઠણતા વજ્ર થકી ભારી, કોમળતા ત્રિભુવન થકી ન્યારી.' વરસાખેરની દીકરીને દીકરો નહિ એ ઠરાવમાં મહારાજે દીકરીને ઘેર દીકરો થાવા મોકલ્યા. એના દાખડા થોડા નહિ પણ વાંધો પડ્યો. એ તો પાછા ઠેકાણે પડી ગયા. બીજાને સમજાવવા મહારાજ આવું કરે, નહિ તો જીવ જ્યાં ત્યાં ચોંટે તેવા છે. આપણે મહારાજની પ્રાપ્તિનો વિચાર કરીએ તો ખબર પડે કે સાધારણ જીવથી આવા મોટા ભગવાનની ઓળખાણ થાય તેમ નથી! તે આપણને એમની દયાથી થઈ એ શું નાનીસૂની વાત છે? પણ દેહભાવવાળાને આવી ખબર ન પડે તેથી જ્યાં ત્યાં અટકી પડે છે અને બીજાં સાધન કરતાં વાસના ટાળવી તે તો કઠણ કામ છે એ વાસના અનંત પ્રકારે જીવને નડે છે, માટે તન, મન, ધન મહારાજને અર્પણ કરવું. એ આજ્ઞામાં બધું ય આવી જાય. આપણે બધા ય શબ્દ બોલીએ છીએ પણ તેમાં કેટલું થયું અને કેટલું થાય છે તેની ખબર પોતાને પડે. કામ કરવા મજૂર રાખ્યા હોય તે મજૂરને એમ થાય જે પાંચ દિવસ કામ વધુ ચાલે તો કમાણી ઠીક થાય. તેમ ઇંદ્રિયો અને અંતઃકરણ મજૂર જેવાં છે તે બધા ય સંપીને શેઠને જુક્તિથી ભોળવીને પોતાનું કામ લીધા કરે છે. માટે શેઠ એવો જે જીવ તેણે આવા મજૂરને રજા આપી કામ બંધ કરી દેવું, એટલે દેહભાવ કાઢી નાખવો, અને મજૂર વિના હાથોહાથ કામ લેવું. આ મજૂર તો જરૂર પરાધીન કરી નાખે તેવા છે. માટે સ્વાધીન રહેવું. ॥ ૧૫૫ ॥