વાર્તા : ૧૨૬
વચનામૃતની કથા વંચાતી હતી તેમાં એમ વાત આવી કે કૂવો જળે કરીને પૂર્ણ ભરાઈ ગયો હોય તેમ આત્મસુખવતે પૂર્ણ રહેવું. તે સાંભળીને સ્વામીને પૂછ્યું કે આત્મસુખવતે પૂર્ણ રહેવું કે મૂર્તિવતે પૂર્ણ રહેવું? પછી પોતે જ બોલ્યા જે મૂર્તિના સુખે પૂર્ણ રહે ત્યારે પૂર્ણ કહેવાય. કેમ કે જીવના જીવન ભગવાન કહેવાય. એકલે આત્મસુખે પૂર્ણ ન થવાય. મૂર્તિના સુખે પૂર્ણ થયો તેને કોઈ દિવસ બહારના વિષયનો પાશ ન લાગે. જો મહારાજ છેટા હોય તો બહારનો પાશ લાગે. વાયુને દુર્ગંધનો પાશ લાગે છે પણ અગ્નિને ન લાગે. તેમ મહારાજે જેને મૂર્તિમાં રાખ્યા હોય તેને પાશ ન લાગે. એવી રીતે રહે તો પૂર્ણ રહ્યા કહેવાય. ભગવાન વિના બીજું કાંઈ ન દેખાય તે કરવાનું. મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા પછી ખાવું-પીવું આદિ જે જે ક્રિયા થાય છે તે સર્વે મહારાજ પોતે કરે છે. મુક્ત તો સુખ લીધા જ કરે છે માટે મહારાજનું અને મુક્તનું કર્તવ્ય આ રીતે સમજવું. મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે એક મહારાજને જ દેખે છે પણ બીજાને દેખતા નથી. ॥ ૧૨૬ ॥