વાર્તા : ૮૪
શહેરમાં માણસો વસ્તુઓ લેવા જાય છે તેમાં લેનાર હોય તે પૂછી જુએ તો આપનારા તેને ભાવ કરીને આપે. પણ જો લેનાર જુએ નહિ અને કોઈને પૂછે નહિ તો આપનારા એમ જાણે જે આ કાંઈ લેવા નીકળ્યા નથી. આ તો અમથા ફરે છે. એમ મહારાજ તો તૈયાર બેઠા છે અને કહે છે કે મૂર્તિ કોઈ લ્યો! કોઈ લ્યો! પણ લેનાર માગે, તો તેને આપે. જે ખરા ખપવાળા છે તો મૂર્તિ માટે રાત-દિવસ પ્રયત્ન કર્યા કરે છે. એવા ખપવાળાને મહારાજ તત્કાળ સુખિયા કરી મૂકે છે.
જેણે સાકર કોઈ દિવસ જોઈ નથી અને સાકરના જમનારાનો વિશ્વાસ નથી તેને સાકર લેવાનો ખપ શી રીતે થાય? ન જ થાય. કોઈ આપે તો પણ ન લેવાય. જે સાકરના જમનારા છે તે તો એના સુખને જેમ છે તેમ જાણે છે, તેમ મહારાજના સુખભોક્તા મુક્તને મહારાજ સુખ આપે છે. એવી રીતે, મહારાજ અને મોટાનો વિશ્વાસ હોય તથા તેમની અનુવૃત્તિમાં જે રહેતા હોય તેને મહારાજ સુખ આપે છે; પણ જેને મહારાજ અને મોટાનો વિશ્વાસ નથી અને પોતે પણ સુખ દેખ્યું નથી, તેને તો કોઈ કાળે એ સુખ પ્રાપ્ત થવાનું નથી. અનંતકોટી બ્રહ્માંડમાં મહારાજને કોઈ ઢાંકી શકે તેવું નથી, કારણ કે પોતાનું તેજ જે અધો ઉર્ધ્વ પ્રમાણ રહિત છે તે પણ ઢાંકી શકતું નથી તો પછી બીજા અક્ષરાદિક તો શાના ઢાંકી શકે? ન જ ઢાંકી શકે. ॥ ૮૪ ॥