૧. શિક્ષાપત્રી ધ્યાન શ્લોક

श्री स्वामिनारायणो विजयतेतराम् ।

विज्ञाने विलयं गते प्रसरति क्षोण्यां तमस्यान्तरे

दिग्मूढेषु भवाध्वगेषु परितः पीडैकशेषे विधौ ।

कारुण्यादवतीर्य मुक्तिजननीं शिक्षामदाद्यामिमां

साक्षादक्षरदिव्यधामनिलयस्तामन्वहं चिन्तये ॥1॥

જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો અને અંતરના અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થયો અને સંસારમાર્ગમાં ભ્રમણ કરતા પ્રાણીઓ દિગ્મૂઢ થયા એટલે કર્તવ્યાકર્તવ્યમાં ભ્રાન્ત થયા અને વૈદિક કર્મ માત્રનું સર્વ પ્રકારે કેવળ પ્રાણીઓને પીડા કરવામાં જ પર્યવસાન થયું ત્યારે કેવળ કરુણાથી જ સાક્ષાત્ અક્ષરધામાધિપતિ સ્વયં શ્રીહરિ અવતાર ધારણ કરીને મોક્ષ કરનારી જે શિક્ષાને આપતા હવા તે આ શિક્ષાપત્રીનું હું પ્રતિદિન ધ્યાન કરું છું. ॥1॥

संसारकर्दमविवर्तनपङ्किलानां नैर्मल्यमाकलयितुं

रचितावताराम् ।

आविद्यसन्तमसनिर्हरणे समर्थामादेशपत्री !

भवतीमनुचिन्तयामि ॥2॥

સંસારરૂપી કાદવમાં ચારે તરફ આળોટણથી કાદવવાળા થયેલા મનુષ્યોને નિર્મળ કરવા માટે જેનો અવતાર થયો છે અને અવિદ્યારૂપી ગાઢ અંધકારને ટાળવામાં સમર્થ એવી હે શિક્ષાપત્રી! તારું હું ચિંતવન કરું છું. ॥2॥

काऽप्यञ्जनशलाकेयमन्तस्तिमिरहारिणी ।

प्रज्ञाद्रष्टिप्रकाशाय शिक्षापत्र्युपसेव्यताम् ॥3॥

આ શિક્ષાપત્રી, અંતરના તિમિર (અજ્ઞાનરૂપ દોષ)ને હરનારી કોઈ અપૂર્વ અંજનશલાકા (અંજન કરવાની સળીરૂપ) છે માટે તે પ્રજ્ઞારૂપી દૃષ્ટિના પ્રકાશ માટે સર્વ કોઈએ ઉપસેવન કરવા યોગ્ય છે. ॥3॥

नानादेशनिवासिशिष्यजनतामुद्दिश्य याऽऽविष्कृता

साक्षादरक्षरवासिना नृवपुषा नारायणेन स्वयम् ।

सा त्वं सङग्रथितासि पावनि! शतानन्दर्षिणा ग्रन्थतः शिक्षापत्री!

भवापहन्त्रि! भवतीमम्बान्वहं चिन्तये ॥4॥

જે આ શિક્ષાપત્રી નાના પ્રકારના દેશમાં રહેલા શિષ્ય સમૂહોને ઉદ્દેશીને સાક્ષાત્ અક્ષરધામનિવાસી મનુષ્યમૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે આવિષ્કાર કરેલી છે તે તું હે પાવનિ! શતાનંદ મુનિએ ગ્રંથમાં ગ્રંથિત કરેલી છો, સંસારને નિવૃત્ત કરનારી હે શિક્ષાપત્રી માતા! તમારું હું પ્રતિદિન ચિંતન કરું છું. ॥4॥

शतानन्देन मुनिना मध्ये सत्सङ् गिजीवनम् ।

ग्रथितां भगवत्प्रोक्तां शिक्षापत्रीमहं श्रये ॥ 5 ॥

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં લખેલી અને શ્રી શતાનંદ મુનિએ શ્રી સત્સંગિજીવન ગ્રંથના મધ્યમાં ગ્રથિત કરેલી એવી શિક્ષાપત્રીનો હું આશ્રય કરું છું ॥5॥

समस्तशास्त्रदुग्धाब्धिमध्योध्धृतमनुत्तमम् ।

शिक्षापत्र्यमृतं किश्चिदमृतत्वाय कल्पते ॥6॥

સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીરસાગરના મધ્યમાંથી ઉદ્ધાર કરેલું સર્વોત્તમ શિક્ષાપત્રીરૂપ કોઈ અપૂર્વ અમૃત મનુષ્યોના અમૃત (મોક્ષ) માટે કલ્પાય છે. અર્થાત્ જે પાન કરે તેનો મોક્ષ થાય છે. ॥6॥

शिक्षापत्र्यामृतं यदेव सहजानन्दः शरण्यः सतां देवः

प्राशयदाश्रितानिह मुकुन्दानन्दमुख्यान् पुरा ।

यत्पीत्वा प्रभवन्ति सम्पदमनायासेन तामासुरीमुच्छेत्तुं

तदुपास्महे भवभयप्रध्वंसनैकौषधम् ॥7॥

સત્પુરુષોના શરણ્ય રક્ષક એવા શ્રી સહજાનંદ સ્વામી દેવે જે શિક્ષાપત્રીરૂપ અમૃત આ લોકમાં મુકુંદાનંદાદિક આશ્રિતોને પ્રથમ પાન કરાવતા હવા તે શિક્ષાપત્રીરૂપી અમૃતને પાન કરીને દૈવી મનુષ્યો અનાયાસથી પ્રસિદ્ધ એવી આસુરી સંપત્તિનો ઉચ્છેદ કરવાને માટે સમર્થ થાય છે. સંસારરૂપી રોગને નાશ કરવામાં મુખ્ય ઔષધરૂપ એવું તે શિક્ષાપત્રીરૂપી અમૃતનું અમો ઉપાસન કરીએ છીએ. ॥7॥

संसारसागरगतान्स्वयमुद्दिधीर्षुः

श्रेयस्तदेकमखिलेष्वभिकाङ्क्षमाणः ।

आदेसमालिखितुमाद्रतपत्रलेखो नारायणः

स्फुरतु मे हृदि वर्णिंवेषः ॥8॥

સંસારસાગરમાં પડેલાં પ્રાણીઓનો ઉદ્ધાર કરીને તેમનું આત્યંતિક શ્રેય કરવાની ઇચ્છાથી ઉપદેશ લખવા માટે જેમણે પત્રલેખનો સ્વીકાર કર્યો છે એવા વર્ણિવેષ શ્રી નારાયણ મુનિ મારા હૃદયમાં સદા સ્ફુરણાયમાન રહો. ॥8॥

व्यञ्जयन्नाश्रितस्नेहं मुग्धस्मितमुखाम्बुजः

आदेशमालिखन्नस्तु हृदि मे धर्मनन्दनः ॥9॥

આશ્રિતોની ઉપર સ્નેહને સૂચવતા અને સુંદર મંદહાસવાળું મુખકમળ જેમનું છે અને શિક્ષાપત્રીને લખનારા ધર્મનંદન એવા શ્રીહરિ મારા હૃદયમાં સદા રહો. ॥ 9 ॥

स्वामिनारायणस्यैतत्स्वरूपमपरं हरेः ।

शिक्षापत्र्यात्मना भूमौ चकास्त्यखिलमंगलम् ॥10॥

શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીહરિનું, સર્વ કોઈનું મંગળ કરનારું આ બીજું સ્વરૂપ શિક્ષાપત્રીરૂપે પૃથ્વી ઉપર પ્રકાશે છે એટલે વર્તે છે. ॥ 10 ॥

शिक्षापत्री ! समस्तशिष्यनिवहैरभ्यर्थितेनादरात्

देवेनाखिलकारणेन सहजानन्देन याऽऽविष्कृता ।

तां त्वां सर्वफलप्रदां भगवतो देवस्य तस्यापरां

मूर्ति देवि ! विभावयन्ननुदिनं सेवे मुहुः प्रेमतः ॥ 11 ॥

હે શિક્ષાપત્રી ! સમસ્ત શિષ્યસમૂહોએ આદરતાથી પ્રાર્થના કરેલા, સર્વના કારણ, દેવાધિદેવ એવા શ્રી સહજાનંદ સ્વામીએ જેનો આવિષ્કાર કરેલો છે, સર્વ ફળને આપનારી તે તને 'દેવ એવા ભગવાનની બીજી મૂર્તિ છે' એવી ભાવનાથી હે અમૃતા! હું પ્રતિદિન પ્રેમથી સદા સેવું છું. ॥11॥

शिक्षापत्र्यामृतं हिताय जगतामाविष्कृतं यन्मया

मद्भक्तैरिदमादरादनुदिनं सेव्यं समस्तैरपि ।

इत्यादिष्टमनुस्मरन् भगवतः प्रेम्णान्वहं यः पठेत् ।

शिक्षापत्रीमिदं स याति परमं धामाक्षरं शाश्वतम् ॥12॥

'જગતના હિત માટે મેં જે શિક્ષાપત્રીરૂપી અમૃત પ્રકટ કર્યું છે તે આ અમૃત સમસ્ત મારા ભક્તોએ પ્રતિદિન આદરતાથી સેવવા યોગ્ય છે.' આવી ભગવાનની આજ્ઞાને અનુસ્મરણ કરીને જે પુરુષ પ્રેમથી આ શિક્ષાપત્રીનો પાઠ કરે છે તે સનાતન પરમ અક્ષરધામને પામે છે. ॥12॥