શ્લોક : ૧૦
अतो भवद्भिर्मच्छिष्यै: सावधानतयाखिलै: ।
प्रीत्यैतामनुसृत्यैव वर्तितव्यं निरंतरम् ॥ ૧૦ ॥
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે. તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું; પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ. ॥ ૧૦ ॥
ભાવાર્થ
શ્રીહરિ કહે છે, 'અગાઉ કહેલાં કારણોને લીધે જે મારા આશ્રિત ત્યાગી-ગૃહી બાઈ-ભાઈ સર્વે તેમણે 'સાવધાનપણે' પ્રમાદ નહિ રાખીને; જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તે થકી પર જે અનાદિ શ્રીકૃષ્ણનામક પ્રત્યક્ષ પુરુષોત્તમ હું, તે મારું સ્વામીસેવકભાવે સાર્ધમ્ય પામવાના ઉત્સાહથી; 'આ શિક્ષાપત્રીને અનુસરીને જ' કહેતાં તેના અર્થને સમજીને જ અર્થાત્ પ્રત્યક્ષભાવ ને પરોક્ષભાવ જાણીને જ, તે પ્રમાણે જ હંમેશાં વર્તવું; પણ તેનું ઉલ્લંઘન કરીને ક્યારેય વર્તવું નહિ.'