શ્લોક : ૧૨૫
प्रतिभूत्वं न कस्यापि कार्यं च व्यावहारिके ।
भिक्षयाऽऽपदतिक्तम्या न तु कार्यमृणं क्वचित् ॥ ૧૨૫ ॥
અને વ્યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરું ન કરવું. અને કોઈ આપત્કાળ આવી પડે તો, ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો; પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. ॥ ૧૨૫ ॥
ભાવાર્થ
શ્રીહરિએ સ્થાપેલ આચાર્યોએ ક્રય-વિક્રય, લેવડદેવડ વગેરે વ્યવહારનાં સઘળાં કાર્યોમાં, પોતાના મનુષ્યોના અથવા બીજા મનુષ્યોના જામીન ન થાવું. એ વ્યાવહારિક કાર્યની જવાબદારી એ અદા નહિ કરે તો અમે કરીશું, એવી રીતનું મધ્યસ્થપણું ધર્મવંશી આચાર્યોએ કરવું નહિ, કેમ કે તેથી મોટો ક્લેશ થવાનો સંભવ છે.
અને તે આચાર્યોએ ક્યારેક દૈવવશાત્ પોતાનું ધનધાન્ય વગેરે હરાઈ જાય એવો આપત્કાળ આવે તો, બ્રાહ્મણજાતિને માટે શાસ્ત્રમાં કહેલી એવી ભિક્ષાવૃત્તિથી પોતાનો દેહનિર્વાહ કરવો, પરંતુ દેવું તો ક્યારેય ન કરવું; કારણ કે દેવું કરવાથી મોટું દુઃખ થાય છે. અને સંજોગવશાત્ દેવું ન આપી શકાય તો પૂર્વે સંચય કરેલું પુણ્ય તે, ધન આપનાર લેણદારને જાય છે.
શ્રીજીમહારાજે કોઈનું પણ ક્યારેય કરજ ન કરવું - એમ આ શ્લોકમાં જે કહ્યું, તે તો સર્વને પાલન કરવા યોગ્ય એવો નિયમ છે; પરંતુ અહીં આચાર્યોના વિશેષધર્મમાં કહે છે, એ તો એમના પ્રત્યેના આવશ્યક બોધ માટે છે; અને વિશેષે તો તેમના દ્વારા, એમના શિષ્યોને બોધ કરવા માટે કહેલ છે.