શ્લોક : ૧૯૬
आर्षभो भरत: पूर्वं जडविप्रो यथा भुवि ।
अवर्ततात्र परमहंसैर्वृत्यं तथैव तै: ॥ ૧૯૬ ॥
અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી, તે જે તે, પૃથ્વીને વિષે જડબ્રાહ્મણથકા જેમ વર્તતા હતા તેમ જ, પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. ॥ ૧૯૬ ॥
ભાવાર્થ
આ શ્લોકમાં શ્રીહરિએ પોતાના આશ્રિત ત્યાગાશ્રમીઓને 'જડભરતની માફક' એટલે કે, નિર્માનીપણે તથા દેહાશક્તિએ રહિત વર્તવાની આજ્ઞા કરી છે. એટલે કે, જેમ ભરતજી પોતાનાં સ્ત્રીપુત્રાદિકનો તથા ચક્રવર્તી રાજ્યનો પણ ત્યાગ કરીને, કેવળ ભગવાનનું ભજન કરવા માટે વનમાં ગયા હતાં; પરંતુ જો ત્યાં જઈને ભગવાન સિવાય બીજે, મૃગલીના બચ્ચામાં વૃત્તિ રાખી તો, મૃગલીના પેટે જન્મ લેવો પડ્યો; તેમ શ્રીહરિના સાધુઓએ પણ દેહસુખ તથા સંસારના સુખનો ત્યાગ કર્યો છે, તો તેમણે શ્રીહરિની મૂર્તિ સિવાય બીજે વૃત્તિ રાખવી નહિ. અને તે ભરતજીએ જડભરતના દેહમાં માન-અપમાન સહન કરીને પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી, તેમ શ્રીહરિના સાધુઓએ પણ માન-અપમાન સહન કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માની એટલે કે સ્વામીસેવકભાવે શ્રીહરિના તુલ્યપણાને પામવાની ભાવના કરી, શ્રીહરિની મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવાનો નિરંતર અભ્યાસ રાખવો - એવી શ્રીહરિની આજ્ઞા છે.