શ્લોક : ૧૧૧

एते राधादयो भक्तास्तस्य स्यु: पार्श्वत: क्वचित् ।

क्वचित्तदङ्गेऽतिस्नेहात्स तु ज्ञेयस्तदैकल: ॥ ૧૧૧ ॥

અને એ રાધાદિક ભક્ત તે જે તે, કયારેક તો તે શ્રીકૃષ્ણભગવાનને પડખે હોય છે; અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણભગવાનના અંગને વિષે રહે છે, ત્યારે તો તે શ્રીકૃષ્ણભગવાન એકલા જ હોય-એમ જાણવા. ॥ ૧૧૧ ॥

ભાવાર્થ

આ લોકમાં સાધનકાળમાં સાધન સિદ્ધ કરીને જેમણે શ્રીહરિની પ્રસન્નતા મેળવી હોય એવા એકાંતિક ભક્ત જ્યારે દેહત્યાગ કરે છે, ત્યારે જો તે ભક્તે સદગુરુથકી મૂર્તિમાં રહેવાની સમજણ પ્રાપ્ત કરી હોય તો તેને શ્રીહરિ પોતાની મૂર્તિમાં રાખે છે. ને સન્મુખ રહેવાની સમજણ દૃઢ કરી હોય તો સન્મુખ રાખે છે. અને એવા અનન્ય ભક્ત સાધનકાળમાં અહીં એકાંતિક, જીવનમુક્ત અને પરમભાગવત નામે કહેવાય છે. આમાં જે મૂર્તિમાં રહેવાની પ્રાપ્તિ તે અનાદિમુક્તની સ્થિતિ છે અને મૂર્તિને સન્મુખ રહેવું એ પરમએકાંતિક મુક્તની સ્થિતિ છે.

વળી શ્રીહરિએ સારંગપુરના ૧૧મા વચનામૃતમાં પણ કહ્યું છેД: "તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે, તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે." આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે. (અહીં કહ્યું જે લીનપણું તે જળમાં જળની પેઠે ન સમજવું; અર્થાત્ દાતા-ભોક્તા ને સ્વામી-સેવકભાવે મૂર્તિમાં રહીને સળંગ મૂર્તિનું સુખ ભોગવે છે.